Mumbai,તા.16
બહુ-અપેક્ષિત રામ ચરણ સ્ટારર ગેમ ચેન્જર ફિલ્મે તેનાં પ્રથમ સપ્તાહના અંતે નિરાશાજનક શરૂઆત જોઈ છે. આ ફિલ્મે તેનાં શરૂઆતનાં સપ્તાહનાં અંતે બોક્સ ઓફિસ કલેક્શનમાં નોંધપાત્ર ઘટાડો જોયો હતો, આ ફિલ્મ રૂ. 100 કરોડનો આંકડો પાર કરવામાં નિષ્ફળ રહી હતી.
જ્યારે ફિલ્મે બોક્સ ઓફિસ પર મજબૂત શરૂઆત કરી હતી, ત્યારે ત્રીજા દિવસે બોક્સ ઓફિસમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો, બોક્સ ઓફિસ પર ત્રીજા દિવસે કલેક્શન રૂ.20 કરોડની નીચે હતું.
પ્રારંભિક અંદાજ મુજબ, ફિલ્મે તમામ ભાષાઓમાં રવિવારે સ્થાનિક બજારોમાં અંદાજિત રૂ. 17 કરોડની કમાણી કરી હતી. ચરણની સ્ટાર પાવર અને પ્રેક્ષકોની અપેક્ષા દર્શાવતી ફિલ્મે પહેલાં દિવસે રૂ. 51 કરોડની કમાણી કરી હતી. જોકે, બીજા દિવસે કલેક્શન નોંધપાત્ર રીતે ઘટીને રૂ. 21.6 કરોડ થયું હતું. આ ઘટાડો ચાલું રહ્યો હતો, જેમાં ફિલ્મે ત્રીજા દિવસે માત્ર રૂ. 17 કરોડની કમાણી કરી હતી, જેનાં કારણે સપ્તાહનાં અંતે તેનું કુલ સ્થાનિક કલેક્શન રૂ. 89.6 કરોડ જેટલું થયું હતું.
અહેવાલ જણાવે છે કે મૂવીએ તેનાં તેલુગુ સંસ્કરણ માટે અંદાજિત રૂ. 8 કરોડ અને તેની હિન્દી ડબ કરેલી મૂવી માટે અંદાજિત રૂ. 7.7 કરોડની કમાણી કરી હતી. તમિલ વર્ઝન અંદાજિત રૂ. 1.2 કરોડ સાથે ત્રીજા ક્રમે આવ્યું હતું, ત્યારબાદ કન્નડ વર્ઝન જે માત્ર રૂ.10 લાખની આસપાસ હતું.
હિન્દી ડબ વર્ઝન અંદાજિત કુલ રૂ. 22.5 કરોડની કમાણી કરવામાં સફળ રહ્યું હતું આ તેલુગુ વર્ઝન પછી બીજા નંબરે છે જેણે અંદાજિત કુલ રૂ. 61.75 કરોડની કમાણી કરી હતી. તમિલ વર્ઝન હાલમાં રૂ. 5.02 કરોડનાં કુલ કલેક્શન સાથે ત્રીજા સ્થાને છે જ્યારે મલયાલમ અને કન્નડ વર્ઝન દરેકે રૂ.30 લાખની આસપાસ કમાણી કરી છે.
આશાસ્પદ શરૂઆત હોવા છતાં, સપ્તાહનાં અંતે ફિલ્મને પ્રેક્ષકોના મિશ્ર પ્રતિસાદ અને ’ફતેહ’ અને ’પુષ્પા’ જેવી ફિલ્મો સાથે બોક્સ ઓફિસ પર સખત સ્પર્ધાના કારણે બોક્સ ઓફિસ કલેક્શનમાં ભારે ઘટાડો થયો છે. તેલુગુ વર્ઝન ફિલ્મનું સૌથી મજબૂત પર્ફોર્મર રહ્યું, જ્યારે ડબ કરેલ વર્ઝને ઓછું પ્રદર્શન કર્યું હતું.
પરંતુ આ ફિલ્મે ઉત્તર અમેરિકામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેનાં પ્રીમિયર શો અને દિવસ 1ના કલેક્શનને જોડીને, ફિલ્મ માત્ર અમેરિકામાં જ 1.39 મિલિયન ડોલરની કમાણી કરવામાં સફળ રહી હતી, જ્યારે બીજા દિવસે વહેલી સાંજ સુધી, ફિલ્મે 265000 ડોલરથી થોડી ઓછી કમાણી કરી હતી, આમ કુલ કલેક્શનમાં ફિલ્મ 1.6 મિલિયન ડોલર એટલે કે 14.25 કરોડથી વધુની કમાણી કરી છે.
વાસ્તવમાં ફિલ્મ માટે એકંદરે સપ્તાહનાં અંતે બુકિંગ ધીમી પડી છે, અને વોક-ઇન ટિકિટનાં વેચાણમાં પણ ઘટાડો થયો છે. એવાં પણ અહેવાલો છે કે ફિલ્મને વધુ મનોરંજક બનાવવા માટે ફિલ્મને 7 મિનિટથી વધુ કાપવામાં આવશે.
ફિલ્મને તેનાં પ્રીમિયર શોમાં પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો કારણ કે પ્રોડક્શન હાઉસ સમયસર ડ્રાઇવ ડિલિવરી કરવામાં સક્ષમ ન હતું, જેનાં કારણે ઘણાં શો રદ કરવામાં આવ્યાં હતાં જેનાં કારણે બોક્સ ઓફિસ કલેક્શનને વધુ ફટકો પડ્યો હતો.