Mumbai,તા.16
મુંબઇ શેરબજારમાં પસંદગીના ધોરણે ધૂમ લેવાલીથી તેજીનો દોર આગળ ધપ્યો હતો. સેન્સેક્સ 300 પોઇન્ટ ઉછળ્યો હતો. અદાણી ગ્રુપના શેરો ઉંચકાયા હતા. શેરબજારમાં આજે માનસ તેજીનું બન્યું હતું. વિશ્વબજારની તેજીની સારી અસર હતી.
ઉપરાંત વિદેશી નાણાં સંસ્થાઓની જોરદાર વેચવાલી સામે લોકલ ફંડો જંગી ખરીદી કરતા હોવાથી રાહતની લાગણી હતી. દિલ્હી ચૂંટણીને કારણે બજેટ એકંદરે રાહતપૂર્ણ રહેવાના સંકેતો, કંપનીઓના પ્રોત્સાહક પરિણામો, ઇઝરાયેલ-ગાઝા યુધ્ધનો અંત જેવા કારણોથી તેજીને ટેકો મળી ગયો હતો.
જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે હવેનું એક પખવાડિયું એકશનપેક રહેવાનું છે એટલે તમામ વર્ગોની નજર અમેરિકામાં ટ્રમ્પ સરકારની નવી નીતિ તથા આગામી બજેટ પર તકાવા લાગી છે.
શેરબજારમાં આજે અદાણી ગ્રુપના શેરો ઝળક્યા હતા. અદાણી સામે અનેકવિધ આરોપ મુકીને ખળભળાટ સર્જનાર હિંડનબર્ગે કંપનીનો સંકેલો કરી નાખતા સારી અસર હતી. અદાણ ગ્રુપની તમામ કંપનીના શેર 1 થી 10 ટકા ઉંચકાયા હતા.
સૌથી વધુ 10 ટકાનો ઉછાળો એનડીટીવીમાં હતો. અંબુજા, અદાણી ગ્રીન, અદાણી પોર્ટ 4-4 ટકા ઉંચકાયા હતા, આ સિવાય ભારત ઇલે, શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, ભારતીય એરટેલ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, કોટક બેંક, લાર્સન, મહિન્દ્ર, મારૂતી, એનટીપીસી, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ વગેરે ઉછળ્યા હતા. ટ્રેન્ટ, ડો. રેડ્ડી, એચસીએલ ટેકનો, ઇન્ફોસીસ, ટીસીએસ, ટાઇટનમાં ઘટાડો હતો.
મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 344 પોઇન્ટના ઉછાળાથી 77068 હતો તે ઉંચામાં 77319 તથા નીચામાં 76895 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 110 પોઇન્ટના ઉછાળાથી 23324 હતો તે ઉંચામાં 23391 તથા નીચામાં 23272 હતો.
‘કિતને ગાઝી આયે કિતને ગયે…’ અદાણી ગ્રુપના CFO ફુલ ફોર્મમાં આવ્યા
હિડનબર્ગની વિદાયને શાયરાના અંદાજમાં આવકારી
મુંબઈ: અમેરિકાની શોર્ટ સેલીંગ ફર્મ હીડનબર્ગ એ પાટીયા પાડી દેવાની જાહેરાત કરતા અદાણી ગ્રુપ જોરમાં આવી ગયુ છે અને કંપનીના ચીફ ફાયનાન્સીયલ ઓફિસમાં જુગશિંદર રોબી સિંઘે શાપરાના અંદાજમાં એકસ પર એક પોષ્ટ લખીને ‘કિતને ગાઝા આયે કિતને ગયે’ તેમ કહી હીડનબર્ગની વિદાય પર ખુશી દર્શાવી છે. હીડનબર્ગે બે-બે વખત અદાણી ગ્રુપને શેરબજારમાં જબરા ફટકા માર્યા હતા. જો કે ગ્રુપ હવે રીકવર થઈ ગયુ છે.