Rajkot,તા.17
શહેરના પેડક રોડ નજીક સોના-ચાંદીના દાગીનાનો વેપાર કરતા વેપારીને એપીએસ લોજીસ્ટિક કંપનીએ રૂ. 39.24 લાખનો ચૂનો ચોપડી દીધાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સોનાના દાગીનાનું પાર્સલ બિહાર નહિ મોકલી તે પાર્સલ પરત નહિ આપનાર કે તેના પૈસા પણ નહિ આપી તમારું પાર્સલ ખોવાઈ ગયું છે તેમ કહી છેતરપિંડી આચરનાર અશોક ત્યાગી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
અમીના માર્ગ એસ્ટ્રોન સોસાયટીમાં રહેતા મહેશભાઇ હરજીભાઈ ગરસોંદીયાએ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં દિલ્લીની એપીએસ સિક્યોર લોજીસ્ટિક પેઢીના બ્રાન્ચ મેનેજર અશોક ત્યાગીનું નામ આપતાં જણાવ્યું હતું કે, ઉદય કાર્ગો મારફત પાંચેક વાર સોના-ચાંદીના પાર્સલ પટના, મુઝફરપુર મોકલ્યા હતા પરંતુ બે વર્ષ પૂર્વે ઉદયભાઈએ પોતાની પેઢી બંધ કરી દીધી હતી.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, દોઢક વર્ષ પૂર્વે ઉદયભાઈએ મારી ઓળખાણ અશોક ત્યાગી સાથે કરાવી હતી. તેઓ બંને મારી પેઢી ખાતે આવ્યા હતા અને મને જણાવ્યું હતું કે, હાલ હું એપીએસ સિક્યોર લોજીસ્ટિક પેઢીમાં જોડાયેલો છું અને હું પટના(બિહાર)ની બ્રાન્ચ સંભાળું છું. રાજકોટમાં પેઢીની બ્રાન્ચ રણછોડનગરમાં આવેલી છે જે અશોક ત્યાગી સંભાળે છે. જે બાદ પાર્સલ લેવાનું કામ કરતા વિનોદભાઈ મલિક સાથે પણ સંપર્ક કરાવ્યો હતો. જે બાદ બે પાર્સલ મુઝફરપુર ખાતે પહોંચી જતાં વિશ્વાસ બેસી ગયો હતો. બાદમાં ગત 12 જુલાઈના રોજ સોનાના દાગીના જેનો વજન 625.620 ગ્રામ જેની કિંમત રૂ. 39,24,995 થવા પામે છે તે એપીએસ લોજીસ્ટિક મારફત મોકલ્યું હતું જે પાર્સલ કલેકટ કર્યાની મને પહોંચ પણ આપી હતી.બાદમાં મુઝફરપુરની મની અલંકાર પેઢીને પાર્સલ મળ્યા અંગે ખરાઈ કરતા પાર્સલ નહિ મળ્યાનું જાણવા મળ્યું હતું. અશોક ત્યાગીને પાર્સલ અંગે પૂછતાં તેણે જણાવ્યું હતું કે, તમારું પાર્સલ દિલ્લીથી પટના ખાતે ટ્રેન મારફત મોકલવાનું હતું, જેથી મારી ઓફિસનો કર્મચારી તમારું પાર્સલ લઈને રેલવે સ્ટેશન ખાતે ગયેલો હતો જ્યાં દિનેશ શાહીને પાર્સલ આપ્યું હતું પરંતુ પાર્સલ પટના નહિ મળતા દિનેશભાઇને પૂછતાં જણાવ્યું . દસ દિવસ બાદ અશોક ત્યાગી રાજકોટ ખાતે રૂબરૂ આવ્યો હતો પાર્સલના પુરા રૂપિયા એક સાથે નહિ ચુકવી શકુ જેથી મને સમય આપો તો હું તમને કટકે કટકે પાર્સલના રૂપિયા ચુકવી આપુ તેમ જણાવ્યું હતું. જેથી મેં તેની સિક્યુરીટી પેટે બેન્કના ચેક માંગેલ અને લખાણ કરી આપવા જણાવેલ જેથી ત્યાગીએ જણાવેલ કે મારી પાસે હાલ ચેકબુક સાથે નથી અને હું તા. ૧૮/૧૦/૨૦૨૪ ના રોજ પરત રાજકોટ ખાતે આવવાનું છું ત્યારે તમને લખાણ કરી આપીશ અને ચેક પણ આપીશ તેમ જણાવેલ.ચાર દિવસ પછી અશોકભાઈએ મને તેના પાનકાર્ડ તથા એપીએસ લોજીસ્ટિકના બેંકના ત્રણ ચેકના ફોટા મોકલેલ અને રાજકોટ આવીને તમને લખાણ તથા ચેક આપીશ તેમ જણાવેલ હતું.
ત્યારબાદ થોડો સમય વીતી ગયાં છતાં અશોક ત્યાગી નહિ આવતા તેની ઓફિસની તપાસ કરતા તેઓ ઓફિસ ખાલી કરી જતાં રહયાનું ઓફિસ માલિકે જણાવતા તેમણે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.