ઠંડીમાં તપાસ એજન્સીના પ્રશ્નોની ઝડીથી પરસેવો વળતા અનેકની ઉંઘ હરામ થઇ
રાજકોટના વહીવટીયા રાજકારણીઓને ગાંધીનગર ટૂંકુ પડશે, દિલ્લી સુધી લાંબા થવાનો વારો
Rajkot,તા.17
રાજકોટની ટીઆરપી ગેમઝોનની ગોઝારી દુર્ઘટના બાદ તત્કાલીન ટીપીઓ એમ ડી સાગઠીયા સહીત મહાનગરપાલિકાના આઠ કર્મચારીઓ વિરુદ્ધ ફોજદારી પગલાં લેવામાં આવ્યા હતા. ત્યાં મામલામાં નવો વળાંક આવ્યો હોય તેમ તપાસમાં કેન્દ્રીય તપાસ એજન્સી ઇડી(એનફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)ની એન્ટ્રી થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મામલાની તપાસમાં ઇડીએ ઝુકાવતા ફક્ત સાગઠીયા નહિ પણ કડકડતી ઠંડીમાં વહીવટદારોથી માંડી અનેક રાજકારણીઓને પરસેવો વળી ગયો હતો અને અનેકની ઉંઘ હરામ થઇ ગઈ છે.
ટીઆરપી ગેમઝોનણી ગોઝારી દુર્ઘટનામાં બાળકો, મહિલાઓ સહીત કુલ 27 નિર્દોષ જીવતા ભૂંજાયા હતા. જીવતા ભડથું થયેલા લોકોની મરણચિસોથી રાજકોટ આખું ધ્રુજી ઉઠ્યું હતું અને ગુજરાત આખું હિબકે ચડ્યું હતું. મામલામાં હાઇકોર્ટએ તાત્કાલિક સૂઓમોટો લીધો હતો બીજી બાજુ સાગઠીયા પાસે અપ્રમાણસર મિલ્કત હોવાની ખરી માહિતી મળતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો અને એસીબીની એન્ટ્રી થઇ હતી. જે બાદ સાગઠીયા પાસેથી રૂ. 28 કરોડની મિલ્કત મળી આવતા અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં મિલ્કત ટાંચ લેવામાં આવી હતી.
આ કાર્યવાહી બાદ કદાચ સાગઠીયાએ હાશકારો અનુભવી લીધો હતો પણ તેવામાં જ ઇડીની એન્ટ્રી થઇ હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ તપાસમાં ઝુકાવતા સાગઠીયા તો ઠીક પણ વહીવટના મૂળમાં રહેલા અનેક વહીવટદારો અને રાજકારણીઓને પણ કડકડતી ઠંડીમાં પરસેવો છૂટ્યો હતો.