New Delhi, તા. 17
કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ દેશના મોટા ભાગના ક્ષેત્રોમાં રસ્તાની ખરાબ હાલતને ધ્યાનમાં રાખીને એવી ગંભીર ટકોર કરી છે કે ખરાબ રસ્તા માટે બિનજામીન પાત્ર ગુનો નોંધાવવા જોઇએ.
ભારતીય ઉદ્યોગ સંગઠનના કાર્યક્રમમાં સામેલ થયેલા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, માર્ગ દુર્ઘટના પાછળ મોટા ભાગે ક્ષતિયુકત ડીપીઆર અને ખરાબ રસ્તા હોય છે તેને બિનજામીન પાત્ર અપરાધ ગણાવવો જોઇએ.
માર્ગ નિર્માણ કરતા કોન્ટ્રાકરો તથા એન્જીનીયરોને દુર્ઘટના માટે જવાબદાર ગણવા જોઇએ અને તેઓ સામે બિનજામીન પાત્ર ગુના નોંધીને જેલ ભેગા કરવા જોઇએ અને તે સંજોગોમાં સારા રસ્તા શકય બનશે. માર્ગોના બ્લેક સ્પોટના સુધારા પાછળ 40 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
તેમણે કહ્યું કે, સરકારના તમામ પ્રયાસો છતાં માર્ગ દુર્ઘટનાઓ અને તેમાં ભોગ બનનારા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. 2030 સુધીમાં માર્ગ દુર્ઘટનામાં 50 ટકાનો ઘટાડો કરવાનો સરકારનો ટાર્ગેટ છે. પરંતુ દુર્ઘટનાઓ ઘટવાને બદલે વધી રહી છે.
2023માં ભારતમાં પાંચ લાખ માર્ગ અકસ્માતો થયા હતા. જેમાં 1.72 લાખ લોકોના મોત નિપજયા હતા. આમાંથી 1.14 લાખ લોકો 18 થી 45 વર્ષની વયજુથના હતા જયારે 10 હજાર બાળકો હતા. 55 હજાર લોકોના મોત હેલ્મેટ ન પહેરવાના કારણે અને 30 હજાર મોત કારમાં સીટબેલ્ટ ન લગાવવાના કારણે થયા હતા.
કાર્યક્રમમાં હાજર પરિવહન સચિવ વી.ઉમાશંકરે કહ્યું કે, માર્ગ સુરક્ષા માટે જનઅભિયાન શરૂ થવું જોઇએ. દરેક અકસ્માત સ્થળ પાછળ કોઇ ચોકકસ કારણ હોય છે. જિલ્લા સ્તરે લોકોમાં જાગૃતિ સર્જવા માટે અભિયાન ઉભુ કરવાની જરૂર છે.