મુંબઈ,તા.17
બોલીવુડ અભિનેતા સૈફઅલી ખાનના ઘરમાં ઘુસીને છરીથી હુમલો કરવાના ઘટનાક્રમમાં તપાસનો દોર ચાલી જ રહ્યો છે. આરોપીની ઓળખ થઈ ગઈ હોવા છતાં તે પોલીસ પકકડથી દુર જ રહ્યો છે. બીજી તરફ સમગ્ર રહસ્યમય ઘટનાક્રમમાં કેટલીક બાબતો હજુ પોલીસના ગળે પણ ઉતરતી નથી.
લુંટારૂના હુમલાથી ઘાયલ થયેલો અભિનેતા સૈફઅલીખાન હજુ હોસ્પીટલમાં સારવાર હેઠળ જ છે. તેના ઘરમાં ઘુસેલા શખ્સને પોલીસે ઓળખી લીધો હોવાથી તેનો ફોટો પણ જારી કર્યો છે અન તેને પકડવા માટે 20 ટીમો બનાવવામાં આવી છે.
સમગ્ર ઘટનામાં સૌપ્રથમ લુંટારૂ સાથે ઘર્ષણમાં ઉતરેલી કેરટેકરની પોલીસે ધનિષ્ટ પુછપરછ કરી હતી. તેના દ્વારા પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાનું વર્ણન કરવામાં આવ્યુ હતું. પોલીસ સમક્ષના નિવેદનમાં તેણીએ કહ્યુ કે સૈફના નાના પુત્ર જહાંગીરના રૂમમાં પોતે ગઈ ત્યારે અજાણ્યા શખ્સ-લુંટારૂને નિહાળ્યો હતો તેના બન્ને હાથમાં હથિયાર હતા.
જહાંગીરને કોઈ નુકશાન ન થાય એટલે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારે લુંટારુએ પોતાના પર હુમલો કર્યો હતો. અવાજ-ચીસ સાંભળીને સૈફ તથા કરિનાકપુર પણ ધસી આવ્યા હતા. તે વખતે લુંટારુએ સૈફ પર હુમલો કર્યો હતો અને તેમાં અભિનેતા ઘાયલ થયો હતો.
56 વર્ષિય કેરટેકર મહિલા એલીયામા ફીલીપે પોલીસને કહ્યું કે, રાત્રે 11 વાગ્યે જમીને 4 વર્ષિય જહાંગીરને તેના રૂમમાં સુવડાવવા ગઈ હતી અને પછી પોતે પણ સુઈ ગઈ હતી. રાત્રે બે વાગ્યે અચાનક કોઈક અવાજ આવતા ઝબકીને જાગી ગઈ હતી.
બાથરૂમનો દરવાજો ખુલ્લો હોવાનુ અને લાઈટ પણ ચાલુ હોવાનુ માલુમ પડયુ હતું. જહાંગીરને જોવા કરીના આવી હશે તેમ માની લીધુ હતુ છતાં કોઈ અજુગતુ લાગતા તપાસ માટે બાથરૂમમાં જોવા ગઈ હતી. જયારે અજાણ્યો શખ્સ બહાર આવ્યો હતો અને જહાંગીરના પલંગ ભણી જવા લાગ્યો હતો. આ તકે પોતે જહાંગીરના રક્ષણનો પ્રયાસ કર્યો હતો ત્યારે હુમલાખોરે મને નિશાન બનાવી હતી અને કોઈ અવાજ નહીં કરવાની ધમકી પણ આપી હતી.
આ વખતે જહાંગીરના નાની પણ જાગી ગયા હતા. લુંટારૂએ તેમને પણ અવાજ નહીં કરવા ચેતવ્યા હતા. હુમલાખોરના એક હાથમાં લાકડી તથા બીજા હાથમાં તીક્ષ્ણ બ્લેડ જેવુ હથિયાર હતુ.
જહાંગીરને બચાવવા પોતે વચ્ચે પડતા હુમલાખોરે તીક્ષ્ણ હથિયારથી મારા પર હુમલો કર્યો હતો. મારા બન્ને હાથમાં ઈજા થઈ હતી. પોતે હુમલાખોરને ‘શુ જોઈએ છે’? પુછતા તેણે 1 કરોડ માંગ્યા હતા.
જહાંગીરના રૂમમાંથી અવાજ આવતા કરીનાકપુર દોડી આવી હતી. સૈફે પણ હુમલાખોરને ‘તુ કોણ છે’? અને શુ જોઈએ છે? તેમ પુછયુ હતું ત્યારે લુંટારૂએ લાકડી તથા બ્લેડથી તેના પર વાર શરૂ કર્યા હતા.
આ તકે ગીતા નામની અન્ય કેરટેકર પણ ધસી આવતા હુમલાખોરે તેના પર પણ હુમલો કર્યો હતો. આ તકે નાસભાગ મચી હતી. ઘરનો અન્ય સ્ટાફ પણ ધસી આવ્યો હતો. તમામ દરવાજાની બહાર નિકળીને નીચે ઉતરી ગયા હતા. થોડા વખત બાદ પરત આવતા હુમલાખોર નાસી ગયો હતો.
સૈફઅલીને ગળા, પીઠ, ખભ્ભા, હાથ જેવા ભાગોમાં ઈજા હતી અને લોહી નિકળતુ હતુ. ગીતાને પણ ચહેરા-પીઠ તથા હાથ પર ઈજા હતી. હુમલાખોરની ઉંમર 35થી40 વર્ષની હતી અને દુબળો બાંધો હતો. 5-5 ફુટની ઉંચાઈ હતી. ડાર્ક પેન્ટ-શર્ટ ઉપરાંત માથામાં ટોપી પણ પહેરી હતી.