Mumbai, તા.17
બોલીવૂડ અભિનેતા સૈફઅલી ખાન પર તેના જ ઘરમાં થયેલા હુમલા મુદ્દે મુંબઇ પોલીસે હવે એક શંકાસ્પદની અટકાયત કરી છે અને તેને બાન્દ્રા પોલીસ સ્ટેશને લાવીને પૂછપરછ કરવામાં આવી છે. આ હુમલાખોર ચોરી અને લૂંટ જેવી ઘટનાઓ સાથે ભૂતકાળમાં સંકળાયેલો હતો.
બાન્દ્રા વિસ્તારમાં તેની અવર-જવર નોંધાઇ હતી. તેમજ સીસીટીવીમાં જે વ્યકિતનો ચહેરો નજરે ચડતો હતો તે આ શકમંદ હુમલાખોર સાથે મળતો આવે છે. અને તેની હિલચાલ પણ શંકાસ્પદ દેખાતી હતી.
એટલું જ નહીં મુંબઇ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, સૈફના ઘરમાં ઘુસણખોરી કરનાર આ સપ્તાહના પ્રારંભમાં બીજા એક અભિનેતા શાહરૂખ ખાનના બંગલા મન્નતની પણ રેકી કરી હતી.
આમ ફિલ્મ સ્ટારના વિસ્તારમાં તેની સતત અવરજવરથી પોલીસે તેને અટકાયતમાં લીધો છે અને હવે તેની પૂછપરછ બાદ ખરેખર તેણે સૈફ અલીખાન પર હુમલો કર્યો છે કે કેમ તે નિશ્ચિત થશે.
સુત્રોના જણાવ્યા મુજબ સમગ્ર તપાસ હવે દિશા પકડી રહી છે અને તેથી જ આ અંગે આગામી થોડા સમયમાં મહત્વનો ધડાકો થાય તેવી શક્યતા છે.