Ahmedabad,તા.17
ગુજરાત ભાજપમાં જીલ્લા-મહાનગરોના પ્રમુખોની નિયુક્તિ મુદે ગાંધીનગરમાં ગુચવાયેલો મામલો ફરી એક વખત દિલ્હી જાય તેવી શકયતા છે. ભાજપના બે વરિષ્ઠમ નેતાઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ અને પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ બન્નેને પ્રદેશના પદાધિકારીઓ દિલ્હી મળી આવ્યા હતા.
કમુરતા બાદ જાહેરાતની ચર્ચા હતી પણ હજું સુધી નામો જાહેર થયા નથી. આજે ભાજપના રાષ્ટ્રીયપ્રમુખ જે.પી.નડ્ડા પણ ગુજરાત આવી રહ્યા છે અને તેઓ કાલે પુરો દિવસ પક્ષ અને સતાવાર કાર્યક્રમમાં સામેલ થશે.
તે બાદ પ્રદેશ પ્રમુખ માટે નિયુક્ત થયેલા કેન્દ્રીય નિરીક્ષક તથા કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ પણ બે દિવસના વિલંબ બાદ કાલે ગાંધીનગર પહોંચશે. આમ એક બાદ એક રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવે છે.
પરંતુ હજુ સુધી જીલ્લા-મહાનગરોના પ્રમુખોની નિયુક્તિ મુદે સસ્પેન્સ યથાવત છે. ગુજરાતના વધુ જીલ્લાઓમાં પણ આંતરિક મતભેદો હોવાનું જાહેર થયુ છે અને વિલંબનો એક હેતુ તમામને ‘ઠંડા’ પાડી દેવાનો હોય તે પણ શકય છે અને પછી પ્રદેશ પ્રમુખના નામ પર એક વખત ભાજપ મોવડીમંડળ નિર્ણય લે તે બાદ આ નામો જાહેર થઈ શકે છે.