એસઓજી ટીમે અલગ અલગ દવા, ઇન્જેક્શન સહીત રૂ. 32 હજારની મેડિકલ સામગ્રી કબજે
Rajkot,તા,18
રાજકોટ રૂરલ એસઓજી ટીમે અલગ અલગ બે મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી લઇ દવા સહીતની રૂ. 32 હજારની મેડિકલ સામગ્રી કબ્જે કરી છે. રાજકોટ જિલ્લાના ઢોલરા ગામેથી રાજેશ મારડિયા અને સડકપીપળીયા ગામેથી રાજુ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ રૂરલ શાપર પોલીસ મથકની હદમાં આવતા ઢોલરા ગામે તબીબી પ્રેક્ટિસ કરતા રાજેશ ભીખાભાઈ મારડીયા(ઉ.વ.37 રહે. આર કે એમ્પાયરની પાછળ જલારામ સોસાયટી, મવડી ચોકડી, રાજકોટ)ની અલગ અલગ એલોપેથીક દવા, ઇન્જેક્શન, બાટલા સહીત રૂ. 4790ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મુન્નાભાઈ એમબીબીએસએ રાજસ્થાનના ગંગાનગરથી બીએચએમએસની ડિગ્રી મેળવી હતી પરંતુ તે એલોપેથીક દવા, ઇન્જેક્શન, બાટલા સહીતની સામગ્રી રાખી એલોપેથીક પ્રેક્ટિસ કરતો હોય એસઓજીએ ધરપકડ કરી હતી. બીજા દરોડામાં એસઓજી ટીમે ગોંડલ તાલુકા પોલીસ મથક હેઠળ આવતા સડક પીપળીયા ગામે ફાલકન રોડ ઉપર શ્રીજી ક્લિનિક ખોલી મેડિકલની પ્રેક્ટિસ કરતા રાજુ રાણાભાઇ ચૌહાણ(ઉ.વ.29 રહે. ભરૂડી ગામ)ની ધરપકડ કરી ઇન્જેક્શન, બાટલા સહીતની રૂ. 27,543ની મેડિકલ સામગ્રી કબ્જે કરી હતી. ઝડપાયેલ ઘોડા તબીબ ફક્ત ધોરણ 10 સુધી જ ભણેલ હોય અને અગાઉ ખાનગી હોસ્પિટલમાં કંપાઉન્ડર તરીકે નોકરી કરી ચુક્યો હોવાનું એસઓજીની તપાસમાં સામે આવ્યું છે.