Washington,તા.18
અમેરિકામાં હવે નવા ચુંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સોમવારે યોજાનારી શપથવિધિનુ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે અને ચાર વર્ષના ગાળા બાદ ટ્રમ્પ ફરી દુનિયાના સૌથી શક્તિશાળી રાષ્ટ્રના પ્રમુખ બનશે.
40 વર્ષ બાદ અમેરિકામાં પ્રમુખની શપથવિધિના સ્થળમાં ફેરફાર કરાયા છે અને ભીષણ ઠંડીના કારણે હવે શપથવિધિ જે કેપીટલ હીલ (સંસદભવન)ના નેશનલ મોલ તરીકે ઓળખાતા ખુલ્લા સ્થળ પર થાય છે તેના બદલે સંસદભવનની અંદર થશે. ટ્રમ્પે પોતાના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ટ્રથમાં આ માહિતી આપતા કહ્યું હતું.
વોશિંગ્ટન ડીસી (રાજધાની)નું તાપમાન રેકર્ડ સ્તરે નીચુ જઈ શકે છે. દેશના માર્કટીક વાવાઝોડુ પણ ફુંકાઈ રહ્યુ છે અને તેનાથી શપથવિધિમાં હાજર રહેલા લોકોને પરેશાની થાય તેવું હું ઈચ્છતો નથી અને તેની શપથવિધિ સમારોહ કેપીટલ હીલના મુખ્ય બેડમાં યોજાશે.
અગાઉ 1985માં આ જ પ્રકારની સ્થિતિના કારણે રોનાલ્ડ રીગનનો શપથવિધિ સમારોહ કેપીટલ રોટુન્ડામાં યોજાયો હતો અને તેનુ જીવંત પ્રસારણ અનેક સ્થળો પર થયુ હતું.
આ ઉપરાંત પ્રમુખ પોતાની શપથવિધિમાં બે બાઈબલનો ઉપયોગ કરશે. એક બાઈબલ ડોનાલ્ડ ટ્રમ્પને તેના માતાએ આપ્યુ હતું. 1955માં ટ્રમ્પે ન્યુયોર્કના જમૈકા સ્થિત સન્ડે ચર્ચ સ્કુલમાં તેમનું ગ્રેજયુએશન પુરૂ કર્યુ તે સમયે તેના માતાએ આ બાઈબલ ભેટ આપ્યુ હતુ.
તો બીજુ બાઈબલનો પુર્વ પ્રમુખ અબ્રાહમ લીંકન પોતાના શપથવિધિમાં ઉપયોગ કર્યો હતો. તે બાદ આ બાઈબલનો પ્રમુખની શપથવિધિમાં ફકત ત્રણ વખત ઉપયોગ થયો છે. અગાઉ પુર્વ પ્રમુખ બારાક ઓબામાએ પોતાની બન્ને ટર્મમાં આ બાઈબલ પર શપથ લીધા હતા અને ત્રીજી વખત ડોનાલ્ડ ટ્રમ્પે તેના 2017ની ટર્મમાં શપથ લીધા હતા.
જો કે ઉપપ્રમુખ જે.ડી.વેન્સ પક્ષના પારિવારિક બાઈબલ પર શપથ લેશે. આ બાઈબલ તેમના નાનીએ તેમના માતાને આપ્યુ હતું અને 2003માં તેના માતાએ જે.ડી.વેન્સ જયારે અમેરિકી સૈન્યના મરીન કોર્પ્સમાં ભરતી થવા જઈ રહ્યા હતા તે સમયે આપ્યુ હતું.
ટ્રમ્પની શપથવિધિ પુર્વ અમેરિકા અને ખાસ કરીને વોશિંગ્ટન સહિતના મહત્વના મહાનગરોમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત લાદવામાં આવ્યો છે. હાલમાંજ અહી જે રીતે ટ્રક-ટેરર હુમલો થયો તેવી સ્થિતિ ફરી બને નહી તે જોવા માટે તંત્રએ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.
શપથ ગ્રહણ માટે 1.5 હજાર કરોડ રૂપિયાનું રેકોર્ડ દાન
શપથ ગ્રહણ સમારોહ માટે ટ્રમ્પની ટીમને રેકોર્ડ દાન મળ્યું છે. ઉદ્યોગપતિઓ ટ્રમ્પ સાથે વધુ સારા સંબંધો બનાવવા માટે ભારે ભંડોળ પૂરું પાડે છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, અત્યાર સુધીમાં 170 મિલિયન ડોલર (લગભગ 1.5 હજાર કરોડ રૂપિયા) આવી ચૂક્યા છે. આ આંકડો 200 મિલિયન સુધી પણ પહોંચી શકે છે.
છેલ્લી વખતે, બિડેનના શપથ ગ્રહણ સમારોહમાં 62 મિલિયન (રૂ. 500 કરોડ)નું દાન એકત્ર કરવામાં આવ્યું હતું. તે જ સમયે, ટ્રમ્પના 2017 શપથ ગ્રહણ સમારોહમાં 107 મિલિયન ડોલર (925 કરોડ રૂપિયા) એકત્રિત કરવામાં આવ્યા હતા.
ટ્રમ્પની શપથવિધિમાં મુકેશ – નીતા અંબાણી હાજર રહેશે: કેન્ડલ લાઈટ ડીનર પણ લેશે
ભારતના ટોચના ઉદ્યોગપતિને અમેરિકી પ્રમુખનુ ખાસ સન્માન: પુર્વ પ્રમુખો- પુર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા હાજર રહેશે નહી
ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમની પત્ની ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે અમેરિકા જશે. અંબાણી 18 જાન્યુઆરીએ વોશિંગ્ટન ડીસી પહોંચશે. અહેવાલ મુજબ શપથગ્રહણ સમારોહમાં અંબાણી દંપતીને ખાસ સીટ મળશે. તેઓ ટ્રમ્પ કેબિનેટના નામાંકિત સભ્યો અને ચૂંટાયેલા અધિકારીઓ સાથે બેસશે.
આ સિવાય કેબિનેટ સ્વાગત સમારોહ અને ઉપરાષ્ટ્રપતિનું ડિનર પણ હશે, જેમાં અંબાણી પરિવાર હાજરી આપશે. નીતા અને મુકેશ અંબાણી 19 નવેમ્બરે રાત્રે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વાઇસ-પ્રેસિડેન્ટ જેડી વેન્સ સાથે કેન્ડલલાઇટ ડિનરમાં હાજરી આપશે.
શપથગ્રહણમાં 3 પૂર્વ રાષ્ટ્રપતિ હાજર રહેશે, મિશેલ ઓબામા નહીં આવે ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ જો બાઇડન, તેમની પત્ની જીલ બાઇડન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને તેમના પતિ ડગ એમહોફ હાજર રહેશે. જો કે છેલ્લી વખત ટ્રમ્પે બાઇડનના શપથગ્રહણ સમારોહમાં ભાગ લીધો ન હતો. અમેરિકાના 150 વર્ષના ઈતિહાસમાં આવું કરનાર તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ હતા.
ટ્રમ્પની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિની જવાબદારી તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે નિભાવી હતી. આ વખતે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, જ્યોર્જ ડબ્લ્યુ બુશ, તેમની પત્ની લૌરા બુશ અને બિલ ક્લિન્ટન અને હિલેરી ક્લિન્ટન પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર હોવાનું કહેવાય છે. મિશેલ ઓબામા સમારોહમાં હાજર રહેશે નહીં.
પ્રથમ વખત વિદેશી મહેમાનોને આમંત્રણ, જયશંકર ભારતથી જશે અમેરિકાના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં વિદેશી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
અહેવાલો અનુસાર, ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલે, હંગેરીના વિક્ટર ઓર્બાન, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલી હાજર રહેશે.
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ઉપરાંત QUAD દેશોના વિદેશ મંત્રીઓ પણ હાજર રહેશે. ઈલોન મસ્ક ઉપરાંત અમેરિકન ઉદ્યોગપતિઓમાં જેફ બેઝોસ, માર્ક ઝકરબર્ગ અને સેમ ઓલ્ટમેન હાજર રહી શકે છે.