ફેસબુકમાં જાહેરાત જોઈ બસ ખરીદવા જયપુર ગયેલા ટ્રાવેલ્સ સંચાલક છેતરાયા : કુવાડવા પોલીસમાં નોંધાતો ગુનો
Rajkot,તા.18
શહેરમાં વધુ એક છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીએ ફેસબુકમાં જાહેરાત જોઈ રાજસ્થાની શખ્સનો બસ ખરીદવા સંપર્ક કરતા રાજસ્થાની શખ્સે જયપુર ખાતે બોલાવી બે બસ બતાવી તેનો સોદો રૂ. 21.80 લાખમાં નક્કી કરી રૂ. 11 લાખ મેળવી લઇ બાદમાં ફોન સ્વીચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી ગયાનો બનાવ કુવાડવા પોલીસમાં નોંધાયો છે.
શહેરના હરિધવા રોડ પર સુખરામનગરમાં રહેતા અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવતા ગજાનંદભાઇ પ્રભુદાસભાઈ ખરસાણી (ઉ.વ. ૫૩) નામના આધેડએ કુવાડવા રોફ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા ત્રીસેક વર્ષથી સરસ્વતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ચલાવુ છુ અને મારી પાસે મારી પોતાની ત્રણ ટ્રાવેલ્સ બસો છે. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઈ તા. ૨૫/૧૦/૨૦૨૪ ના રોજ ફેસબુકમાં એક જાહેરાત જોઈ હતી. જેમાં જૂની બસ લેવા-વેચવા માટે સંપર્ક કરવા જણાવ્યું હતું અને બે મોબાઈલ નંબર આપવામાં આવ્યા હતા. જેથી મેં તે નંબર પર ફોન કરતા સામાવાળી વ્યક્તિએ પોતાની ઓળખ જીતુ રાઠોડ (રહે. ગંગાનગર, રાજસ્થાન) તરીકે આપી હતી.
જીતુ રાઠોડ઼ે મને જણાવેલ કે, મારી પાસે છ-સાત જુની બસ પડેલ છે તમે મને વોટ્સએપમાં મેસેજ કરો હું તમને બસના ફોટો મોકલુ છું જેથી મેં મેસેજ કરતા મને ફોટો મોકલ્યા હતા. બાદમાં મેં બસ રૂબરૂ જોવા ક્યાં આવવું પડશે તેવું પૂછતાં તેમણે જયપુર આવવા જણાવ્યું હતું. જેથી ગઇ તા. ૦૪/૧૧/૨૦૨૪ ના રોજ હું તથા રામભાઈ તથા પરેશભાઈ અમો ત્રણેય જયપુર બસ જોવા માટે ગયેલ અને ત્યાં પહોંચી જીતુભાઈને ફોન કરેલ તો તેમણે જયપુર બાયપાસથી ૨૦ કી.મી. દુર દીલ્હી રોડ પર ટોલનાકા પાસે ભારતના પેટ્રોલ પંપ પર બસ પડેલ છે તેમ જણાવ્યું હતું. જ્યાં જોતા બે જોવા મળી હતી. બસ અમને ગમતા ખરીદવાનુ નક્કી કરી હવે બસનો સોદો કોની સાથે કરવાનું તેમ પૂછતાં તેમણે એક લોકેશન મોકલ્યું હતું અને સોદો નક્કી થાય તો એક બસની દલાલી પેટે રૂ. 10 હજાર એમ કુલ 20 હજાર આપવા જણાવ્યું હતું.
બાદમાં ગત તા. ૧૬/૧૧/૨૦૨૪ ના રોજ જીતુભાઇનો ફોન આવેલ કે, બાકી રહેતા પેમેન્ટમાંથી ૫૦% પેમેન્ટ કરી આપો, એન.ઓ.સી. બે દિવસમાં આવી જશે જે બાદ તમે બસ લઇ જઈ શકશો. બાદમા તા.૨૦/૧૧/૨૦૨૪ ના રોજ એચ. એમ. આંગડીયા, કુવાડવા ગામ ખાતેથી આંગડીયાં મારફત રૂ. 10 લાખ મોકલ્યા હતા જે નાણાં મળી ગયાની જીતુ રાઠોડ પાસે ખરાઈ પણ કરી હતી. જે બાદ એક બસની એન.ઓ.સી. તા.૨૨/૧૧/૨૦૨૪ ના રોજ મળી જશે અને બીજા બસની એન.ઓ.સી. તા.૨૬/૧૧/૨૦૨૪ ના રોજ મળી જશે તેવું જણાવ્યું હતું. જેથી 26 નવેમ્બરના રોજ બસ લઇ જજો તેવું જણાવ્યું હતું. 26 નવેમ્બરે બસ લેવા માટે જીતુભાઈને ફોન કરતા તેણે બન્ને બસ વહેંચાય ગયેલ છે તેવું જણાવ્યું હતું. જેથી અમે પૈસા પરત આપી દેવા જણાવ્યું હતું.
જીતુ રાઠોડએ જણાવ્યું હતું કે, તમે મોકલેલું આંગડિયું મળ્યું ન હતું જેથી બસ વેંચી નાખી હતી. ત્યારબાદ આંગડિયા પેઢીમાં ખરાઈ કરતા રાજસ્થાનમાં જીતુ રાઠોડ઼ે જ આંગડિયા પેઢીમાંથી નાણાં મેળવ્યાનું ખુલ્યું હતું. જે બાબતે આકાશ સાથે વાત કરતા તેણે એડવાન્સ પેટે લીધેલા એક લાખ પરત આપી દઈશ તેવું જણાવ્યું હતું પણ તેણે કોઈ નાણાં પરત આપ્યા ન હતા અને જીતુ રાઠોડ મોબાઈલ સ્વીચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.