Gondal . તા.20
ગોંડલના ખાંડાધાર ગામની સીમમાં વાડીના રસ્તા પ્રશ્ર્ને મહિલા પર સેઢા પડોશી બંધુનો નિર્લજ્જ હુમલો કરતાં ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. મહિલા વાડીએ એકલી હતી ત્યારે ઘસી ગયેલ આરોપીઓએ ઝઘડો કરી મારમારી પાટુ મારી પાડી દઈ શરીરે અડપલાં કર્યા હતાં.
બનાવ અંગે ગોંડલના ખાંડાધાર ગામની સીમ વિસ્તારમાં રહેતાં ભાનુબેન લીંબાભાઈ લીંબડીયા (ઉ.વ.32) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મુકેશ વલ્લભ મકવાણા અને સુરેશ મકવાણા (રહે. ખાંડાધાર, ગોંડલ) નું નામ આપી જણાવ્યું હતું કે, તેણી ગામના ભુપતભાઈ ડાભીની વાડીએ તેના પતિ સાથે છેલ્લા ચારેક વર્ષથી ખેત મજુરી કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે.
ગઈ તા.03 ના સાંજના સમયે તેણી ખેતરમા સૂકવવા રાખેલ લાલ મરચા ફેરવતી હોય તે દરમ્યાન મુકેશ મકવાણા તથા તેનો ભાઈ સુરેશ મકવાણા વાડીએ ઘસી આવેલ અને કહેવા લાગેલ કે, તમે અમારી વાડી જવાના રસ્તે પાસે કેમ અવાર-નવાર ઉભા હોય છો તેમ કહી બંને શખ્સો ગાળો આપવા લાગેલ જેથી તેને કહેલ કે, મને ગાળો કેમ આપો છો તેમ કહેતા મુકેશએ તેણીને પાટુ મારી પાડી દીધેલ અને શરીરે છાતીના ભાગે હાથ ફેરવવા લાગેલ હતો. તેમજ સુરેશ પણ તેણીના મોઢાની પાસે ઉભા રહી મોઢુ દબાવવાની કોશીસ કરેલ અને તે દરમ્યાન તેણીએ રાડા રાડી કરતા વાડીએ કામ કરતા કરસનભાઈ બહુકીયા આવી ગયેલ અને વચ્ચે પડતા આરોપીઓએ કરશનભાઈને પણ ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતાં. જેથી તેણી ત્યાથી ભાગીને જતી રહેલ હતી.
દેકારો થતાં આરોપીઓ પણ નાસી છૂટ્યા હતાં. બાદમાં તેણીના પતિ આવી જતાં તેણીને અને ઇજાગ્રસ્ત કરશનભાઇને સારવારમાં ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ હતાં. વધુમાં બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, આરોપીઓ સાથે અવાર-નવાર રસ્તા બાબતે પ્રશ્ર્નો ઉભા થતા હોય જેનો ખાર રાખી નિર્લજ્જ હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસે નિર્લજ્જ હુમલો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.