Mumbai,તા.29
વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારતીય ઈક્વિટીસમાં અત્યારસુધી ૭.૮૦ અબજ ડોલરની નેટ વેચવાલી આવી છે જે અત્યારસુધીના જાન્યુઆરીની સૌથી મોટી વેચવાલી છે. એટલું જ નહીં ભારતીય શેરબજારમાં જાન્યુઆરીનો આઉટફલો અત્યારસુધીનો ત્રીજો મોટો આઉટફલો રહ્યાનું પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે.
આ અગાઉ ૨૦૨૪ના ઓકટોબરમાં વિદેશી રોકાણકારો ૧૧.૨૦ અબજ ડોલરના નેટ વેચવાલ રહ્યા હતા જે કોઈ એક મહિનામાં સૌથી વધુ વેચવાલી રહી છે. આ ઉપરાંત માર્ચ ૨૦૨૦માં એફઆઈઆઈએ ૮.૪૦ અબજ ડોલરની નેટ વેચવાલી કરી હતી.
વર્તમાન મહિનામાં વિદેશી રોકાણકારોનું નાણાંકીય સ્ટોકસમાં જંગી ઓફ્ફલોડિંગ રહ્યું છે. આ ઉપરાંત કન્ઝયૂમર સર્વિસીસ, પાવર તથા કેપિટલ ગુડસમાં પણ જંગી વેચવાલી જોવા મળી છે.
નાણાંકીય સેવા ક્ષેત્રના સ્ટોકસમાં ૧.૪૦ અબજ ડોલર, કન્ઝયૂમર સર્વિસીસમાં ૪૦.૫૦ કરોડ ડોલર, વીજ ક્ષેત્રમાં ૩૬ કરોડ ડોલર જ્યારે કેપિટલ ગુડસ ક્ષેત્રના ૩૦.૩૦ કરોડના મૂલ્યના શેરોની વિદેશી રોકાણકારોએ વેચવાલી કરી છે.
આઈટી, ઓટો તથા બાંધકામ ક્ષેત્ર દરેકમાં ૨૦ કરોડ ડોલરથી વધુની ઈક્વિટીસ ઓફ્ફલોડ કરાઈ હોવાનું ડેટા જણાવે છે.
બેન્ચમાર્ક ઈન્ડાઈસિસની વાત કરીએ તો સેન્સેકસ તથા નિફટીમાં અત્યારસુધી ૩.૫૦ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે જે ૨૦૧૭ બાદ સૌથી ંમોટો માસિક ઘટાડો હોવાનું ડેટા પરથી જણાય છે.
ભૌગોલિકરાજકીય અશાંતિ, વૈશ્વિક આર્થિક મંદી, ઊંચા વ્યાજ દરો, કોર્પોરેટના નબળા પરિણામોને કારણે વિદેશી રોકાણકારો ભારતમાંથી ઉચાળા ભરી રહ્યા હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું. આ ઉપરાંત ટ્રમ્પની સખત નીતિની પણ અસર જોવા મળી રહી છે.