Gir Somnath,તા.30
ગુજરાતના લોકસાહિત્યના જાણીતા કલાકારોમાંથી એક રાજભા ગઢવીના ઘરે શોકનો માહોલ છવાઈ ગયો છે. બુધવારે (29 જાન્યુઆરી) રાજભા ગઢવીના માથેથી પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ હતી. સાંજે છ વાગ્યાની આસપાસ પિતાનું નિધન થતાં સમગ્ર ગઢવી પરિવારમાં શોકનો માહોલ છે.
રાજભા ગઢવીના ઘરે શોકનો માહોલ
લોકસાહિત્યકાર રાજભા ગઢવીના પિતા આલસુરભાઈ સામતભાઈ ઢાન્ટા (ગઢવી)નું બુધવારે 70 વર્ષની વયે અવસાન થયું હતું. રાજભા ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું કે, 29 જાન્યુઆરીની સાંજે છ વાગ્યાની આસપાસ પિતાનું નિધન થયું છે. પ્રભુ તેમની દિવ્ય આત્માને શાંતિ આપે પ્રાર્થના. નોંધનીય છે કે, છેલ્લાં ઘણાં સમયથી રાજભાના પિતા બીમાર હતાં.
દીકરાને આપી લોકસાહિત્યની ભેટ
રાજભા ગઢવીના પિતા આલસુરભાઈ સામત ગીરના જંગલની વચ્ચોવચ્ચ આવેલા લીલાપાણીના નેસમાં પશુપાલનનું કામ કરતાં હતા. એકદમ કુદરતના ખોળે જીવન વીતાવતાં હતા. ગુજરાતના જાણીતા સંત ઈન્દ્રભારતી બાપુએ રાજભાના પિતાને ઘેરા વડલાંની ઉપમા આપી હતી. રાજભા ગઢવીએ થોડા સમય પહેલાં વાત કરી હતી કે, હું ભણેલો નથી પરંતુ, લોકસાહિત્યનો વારસો તેઓને પોતાના પિતા પાસેથી મળ્યો છે.