Rajkot,તા.06
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીની ભરપુર લોકલ આવતા શાકભાજીના ભાવ તળીયે પહોંચી ગયા છે. એક મહિના પૂર્વે 70 થી 100ના કિલોએ વહેંચાતું શાકભાજી હાલ રૂા.10 થી 20ના કિલોએ વહેંચાય રહ્યું છે. હાલ યાર્ડમાં શાકભાજીની પુષ્કળ આવક થઇ રહી છે.
શિયાળાની શરૂઆતમાં શાકભાજીના ભાવ આસમાને હતા. શિયાળા પૂર્વે માવઠુ પડતા વાતાવરણ ખરાબ હોવાથી પાક બગડ્યો હતો જેના પરિણામે શાકભાજીની આવક ઓછી હતી અને ગુણવત્તા પણ સારી ન હોવાથી ભાવ પણ ઉંચા હતા, પરંતુ ત્યારબાદ કડકડતી ઠંડી પડતા શાકભાજીની મબલક આવક શરૂ થઇ ચૂકી હતી. છતાં ભાવ નીચા આવતા 15 દિવસ લાગ્યા હતા.
શિયાળાની શરૂઆતના 15 દિવસ બાદ શાકભાજીના ભાવમાં ઘટાડો થયો હતો અને હાલ ભાવ તળીયે પહોંચી ગયા છે. એક મહિના પૂર્વે વટાણા, ટમેટા, ભીંડો, લીંબુ, આદુ, બટેટા, મરચા રૂા.50 થી 100 કિલોએ વહેચાતા હતા. પરંતુ હાલ આ શાકભાજીના ભાવ રૂા.10 થી 20ના કિલો થઇ ગયા છે. કડકડતી ઠંડી પડવાથી બહોળા પ્રમાણમાં સારી ગુણવત્તાવાળા શાકભાજીની આવક થઇ રહી છે.
હાલ યાર્ડમાં સંપૂર્ણ લોકલ આવક આવી રહી છે. વટાણા મધ્ય પ્રદેશથી આવી રહ્યા છે. મરચા, ગીસોડા, ગલ્કા, ગુવાર, ભીંડો ગુજરાતના અન્ય શહેરોમાંથી આવી રહ્યા છે. હજુ પણ ભાવ ઘટેલા જ રહેશે. હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. જો માવઠુ પડશે તો ફરી પાક બગડશે અને ભાવ ફરી વધવાની શક્યતા છે.
હાલ યાર્ડમાં લીંબુ રૂા.10 થી 35, બટેટા રૂા.10 થી 17, ડુંગળી રૂા.6 થી 20, ટમેટા રૂા.3 થી 5, કોથમરી રૂા.3 થી 5, રીંગણા રૂા.10 થી 25, કોબીજ રૂા.2 થી 5, ફ્લાવર રૂા.5 થી 15, ભીંડો રૂા. 35 થી 50, ચોળા સીંગ રૂા. 50 થી 70, વાલોળ રૂા.10 થી 15, દુધી રૂા.5 થી 10, ગાજર રૂા.10 થી 20, વટાણા રૂા.20 થી 30, મેથી રૂા.5 થી 15, આદુ રૂા.30 થી 35, મરચા 10 થી 30 રૂા.કિલોએ વહેંચાય રહ્યા છે