Jamnagar તા.6
જામનગર મહાનગરપાલિકાના 2025-26ના બજેટમાં મ્યુ.તંત્રએ પોતાના સંભવિત ખર્ચ અને આવકના આંકડા રજુ કર્યા. પરંતુ તે સાથે મ્યુ.તંત્ર પ્રજા પાસે વ્યાજના રૂ.300 કરોડથી વધુ મળીને રૂ.766.87 કરોડ જેવી જંગી રકમ માંગતુ હોવાનું અને રાજ્ય સરકાર મ્યુ.તંત્ર પાસેથી વ્યાજ સહિત રૂ.893.5ર કરોડ માંગતુ હોવાના હિસાબો રજુ કરવામાં આવ્યા છે.
ગત તા.30જાન્યુઆરીએ મ્યુ.તંત્રનું રૂ.1493 કરોડનો ખર્ચ અને 1430 કરોડની આવક તેમજ રૂ. 3ર5.94 કરોડની બંધ પુરાંત દર્શાવતું મ્યુ.કમિશનરે બજેટ રજુ કર્યુ હતું. જેમાં થયેલા વિકાસ કાર્યો ઉપરાંત આગામી સમયમાં કરવાના વિકાસ કાર્યો અને રૂ. 11.84 કરોડનો કરબોજ પણ દર્શાવ્યો હતો. આ બજેટમાં મ્યુ.તંત્રએ વ્યાજ સહિતના લેણાં દર્શાવ્યા છે.
જેમાં કોર્પોરેશનની બે માર્કેટના દુકાનોના ભાડા પેટે રૂ.1.95 કરોડના, વ્યવસાય વેરા પેટે રૂ.53.45 કરોડ, કારખાના લાયસન્સ પેટે રૂ.2.04 કરોડ, તંત્રએ હાલ રી-ડેવલપમેન્ટમાં અડધી જેટલી તોડી પાડેલી 1404 અને અન્ય 504 આવાસોના બાકી હપ્તા પેટે રૂ.4.17 કરોડ, ક્ષેત્રફળ આધારીત પધ્ધતિ એટલે કે, વર્ષ 2006 પછીના પાણીના ચાર્જીસ પેટે રૂ.83.47 કરોડ, સ્લમ વિસ્તારના પાણીના ચાર્જીસ પેટે રૂ.27.41 કરોડ, 2006 પહેલાના પાણીના ચાર્જીસ પેટે રૂ.21.75 કરોડ, 2006 પહેલાના મિલ્કત વેરા પેટે રૂ.60.84 કરોડ, 2006 પછીના મિલ્કત વેરા પેટે રૂ.481.80 કરોડ તેમજ સર્વિસ યુઝર્સ ચાર્જ પેટે રૂ.9.10 કરોડ અને સરકારની મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી યોજનાઓમાં લાભાર્થીઓના ફાળા પેટે રૂ.ર0.40 કરોડ મળીને કુલ રૂ.766.87કરોડ દર્શાવ્યા છે. તંત્રના રેલ્વે પાસેથી મિલ્કત વેરાના મુદ્દલ રૂ.35 કરોડ લેવાના નિકળે છે.
પરંતુ વર્ષોથી તેના પર વ્યાજ રૂ.125 કરોડ ચડી ગયું છે. આ જ રીતે પ્રજા પાસેથી લેવાના મિલ્કત વેરાના રૂ.481 કરોડમાં 200 કરોડ રૂપિયા તો વ્યાજ ના જ છે. મ્યુ.તંત્રએ સરકારને પાણી, ભુગર્ભ ગટર. યોજના સહિતની વિવિધ લોન પેટે કુલ રૂ.893.5ર કરોડ ચુકવવાના છે. જેમાં વ્યાજના રૂ. 315.21 કરોડ છે. સરકાર પાસેથી જામનગરને પાણી લઈને આપવામાં આવે છે. તેથી પાણી પુરવઠા બોર્ડને મ્યુ.તંત્રએ વગર વ્યાજના રૂ.253 કરોડ ચુકવવાના થાય છે.

