ગૃહકલેશથી કંટાળી લોખંડના સળિયાના ઘા ઝીંકી કુળવધુનું ઢીમ ઢાળી દીધું હતું
Rajkot,તા.06
શાપર વેરાવળમા ગૃહકલેશથી કંટાળી પત્નીને લોખંડના સળિયાના ઘા ઝીંકી હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા પતિને કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ વેરાવળ(શા૫૨)સર્વોદય સોસાયટીમાં રહેતા પ્રેમજી ગોવિંદભાઈ પરમારે ગત તા૧૨/૧/૨૦૨૪ ના રોજ સાંજના છએક વાગ્યાના અરસામાં ગૃહકલેશથી કંટાળી પત્ની કમળાબેન પરમાર સાથે ઝઘડો કરી લોખંડના સળીયાના માથાના ભાગે સાતથી આઠ ઘા ઝીંકી મોત નિપજવ્યું હતું. આ અંગે મૃતકના પુત્ર બાબુ પરમારે માતાના હત્યારા પિતા સામે પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. ફરીયાદના આધારે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવ્યું હતું. જે કેસ ચાલવા ઉપર આવતા આરોપીના બચાવ પક્ષના એડવોકેટ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, મૃતકનુ મૃત્યુ સળીયા વડે માથામા સાત-આઠ ઘા મારવાથી થયુ હતુ અને મેડીકલ ઓફીસરની જુબાનીમાં મૃતકના શરીર ઉપરની કુલ-૧૪ પ્રકારની ઈજાઓનુ વર્ણન કર્યુ છે. તપાસ કરનાર અમલદારે મૃતકની ઈજા અંગે કોઈ તપાસ કરી નથી. ફરીયાદ મુળથી શંકાસ્પદ છે અને ફરીયાદી તથા સાહેદોના જુબાનીના કથનો વિરોધાભાષી અને શંકાસ્પદ છે. જેથી આરોપીને નિદોર્ષ છોડી મુકવા રજુઆત કરી હતી. બંને પક્ષોનો રેકર્ડ પરનો પુરાવો અને દલીલો ઘ્યાને લઈ ગોંડલના ન્યાયાધીશ એચ.એ. ત્રિવેદીએ આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીના બચાવ પક્ષે લીગલ એન્ડ કાઉન્સીલ તરીકે આઈ.બી.જાડેજા અને પ્રશાંતભાઈ સોલંકી રોકાયા હતા.