Mumbai, તા.7
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પાંચ વર્ષ બાદ વ્યાજદરમાં કરેલો ઘટાડો બેંકમાં ખાસ કરીને હોમ તથા ઓટો લોન ધારકો માટે મોટી રાહત થશે. તો બીજી તરફ હવે આગામી દિવસોમાં હોમલોનના દરો ઘટવાથી રીયલ એસ્ટેટને પણ નવા બુકીંગની તક મળશે. ઓટો કંપનીઓ માટે પણ છેલ્લા કેટલાક મહિનાઓથી જે સુસ્તી છે તેમાં પણ નવા ઓર્ડર આવે તેવા સંકેત છે.
રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, કોવિડકાળ બાદ વ્યાજદરમાં વધારો થયો છે પરંતુ ઘટાડવાની શક્યતા નહીં હોવાથી લાંબાગાળા સુધી ઉંચા વ્યાજદરના વાતાવરણમાં આપણે રહ્યા છીએ અને હવે વ્યાજદર ઘટાડવાની તક છે તેથી રેપોરેટ 25 બેઝીક પોઇન્ટ ઘટાડ્યો છે જે 6.25 ટકા થશે જેના કારણે હોમલોન ધારકોને દર વર્ષે અંદાજે રૂા.10 હજારની બચત થશે.
ખાસ કરીને જેઓએ ફ્લોટીંગ રેટની લોન લીધી છે તેના માટે વ્યાજદર ઘટાડો મહત્વનો બની જશે. બેન્કો જો કે પર્સનલ લોન કે ક્રેડીટ કાર્ડના વ્યાજદર ઘટાડે કે કેમ તે તેની આખરી પ્રાયોરીટી હશે. જો કોઇ વ્યકિતએ રૂ.50 લાખની હોમલોન 8.5 ટકાના દરે લીધી હશે અને તેનો લોનનો સમયગાળો 20 વર્ષનો હશે.
તો તેમાં 25 બેઝીક પોઇન્ટ વ્યાજ ઘટી જશે જેથી તેને 8.25 ટકા વ્યાજ લાગુ થશે આ પ્રકારની હોમલોનમાં વ્યકિતએ રૂા.43391નો માસિક હપ્તો ભરવાનો રહેશે પણ વ્યાજદર ઘટતા રૂ.42603 થઇ જશે જેને કારણે દર મહિને રૂ.788નો હપ્તો ભરશે અને વર્ષે રૂ.9456ની બચત થશે.
આવી જ રીતે કાર લોનમાં 12 ટકાના વ્યાજદરમાં જેણે લોન લીધી છે તેણે વર્તમાન સમયમાં રૂ.11282નો હપ્તો ભરવાનો છે તે રેપોરેટમાં ઘટાડા બાદ રૂ.11149 થઇ જશે. જે રૂા.133 ઘટશે. રૂ.પાંચ લાખની લોનમાં આ પ્રકારના ઇએમઆઇ સામાન્ય રીતે બેન્કો નિશ્ચિત કરે છે જેણે વર્ષે રૂ.1596નો ફાયદો થશે.
આમ રીઝર્વ બેન્કનું પગલું લાંબાગાળા બાદ લોન ધારકો માટે રાહત લાવી છે. ખાસ કરીને જેઓએ લાંબાગાળાની લોન લીધી છે તેઓને હવે વ્યાજદરમાં ઘટાડાનો લાભ સતત મળતો રહે તેવા સંકેત છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ધિરાણ પર વ્યાજદર ઘટાડવામાં પહેલ કરશે
બેન્કના એમડી દ્વારા જાહેરાત: હોમલોન તથા ઓટોલોન સસ્તી કરાશે
રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આજે વ્યાજદરમાં કરાયેલા ઘટાડાને બેંકીંગ સહિતના ક્ષેત્રોએ આવકાર આપ્યો છે. જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તો તેના હાઉસીંગ સહિતના ધિરાણમાં ઘટાડાની તૈયારી કરી લીધી છે અને આજે સાંજ સુધીમાં જ તેની જાહેરાત થાય તેવા સંકેત છે.
એસબીઆઇના એમડી અશ્વિનીકુમાર તિવારીએ જણાવ્યું કે, રીઝર્વ બેન્કની નવી પોલીસી અપેક્ષા મુજબની જ હતી અને અમે હોમ લોન તથા કારલોનના દરમાં ઘટાડો કરવા જઇ રહ્યા છીએ.