Ahmedabad,તા.7
અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓ પર ટ્રમ્પતંત્ર દ્વારા દેશનિકાલ ઓપરેશન હાથ ધરાયુ છે અને તેમાં 104 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા છે તે પૈકીના 33 ગુજરાતીમાંથી 18 તો ટ્રમ્પની તાજપોશીના દિવસે જ અમેરિકા પહોંચ્યા હતા અને 15 જ દિવસમાં હાથકડી સાથે પરત ફરવાનો વખત આવ્યો હતો.
અમેરિકાથી 104 ભારતીયોને પરત ધકેલવામાં આવ્યા હતા. તેમાં 33 ગુજરાતી હતા. મોટાભાગના મહેસાણા-ગાંધીનગર જીલ્લાના હતા. અમૃતસરમાં ઉતરાણ બાદ તેઓને અમદાવાદ લાવીને પોતપોતાના વતન મોકલવામાં આવ્યા હતા.
હવે એવો ખુલાસો થયો છે કે, આ ગુજરાતીઓ ટ્રમ્પ સતારૂઢ થયા ત્યારે જ ગયા હતા. 20મી જાન્યુઆરીએ ટ્રમ્પની તાજપોશી થઈ હતી. 18 ગુજરાતીઓએ આ જ દિવસે અમેરિકાની ધરતી પર પગ માંડયા હતા અને સીધા જ તંત્ર દ્વારા કસ્ટડીમાં લઈને ડીટેન્શન સેન્ટરમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
સૂત્રોના કહેવા પ્રમાણે ‘કેચ એન્ડ રીલીઝ પોલીસી’ હેઠળ તેઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને પ્રથમ લોટમાં ભારત પરત મોકલાયેલા 104 લોકોમાં તેઓને ઘર ભેગા કરી દેવામાં આવ્યા હતા.
માનવ તસ્કરી-કબુતરાબાજીના નેટવર્કથી વાકેફ સૂત્રોના કહેવા પ્રમાણે ગાંધીનગરના કલોલ તાલુકાના અને મહેસાણાના એજન્ટોએ સંયુક્ત રીતે આ 18 લોકોને અમેરિકા મોકલ્યા હતા. મેકસીકો સરહદેથી અમેરિકામાં ઘુસાડયા હતા પરંતુ અમેરિકાની ધરતી પર પહોંચતા જ ઝડપાઈ ગયા હતા.
આ તમામ 18 લોકો ઉતર ગુજરાતના છે અને માનવ તસ્કરી હેઠળ ગેરકાયદે રીતે અમેરિકા પહોંચ્યા હતા. એજન્ટોએ વાસ્તવમાં ટ્રમ્પ સતાધૂરા સંભાળે તે પુર્વે જ 18 લોકોને ઘુસાડવાનો પ્લાન કર્યો છે. પરંતુ કોઈ કારણોસર સમયસર પહોંચાડી શકયા ન હતા અને પકડાઈ ગયા હતા. તત્કાલ ડીર્પોટેશનનો ભોગ બન્યા હતા.