ટ્રાયલ કોર્ટના ફાઈડિંગ્સમાં કોઈ ભુલ જણાઇ આવતી નથી તેથી વિલ સામે વાંધા લેનારની અપીલ રદ કરી નીચેની અદાલતનો હુકમ કાયમ રાખેલ
Rajkot,તા.07
શહેરના પટેલ પરિવારમાં બંગલો, કારખાનું સહિતની ત્રણ મિલકતો સંદર્ભે પિતાએ બનાવેલા વિલના લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન માટે બે પુત્રોની દીવાની અરજી સામે ત્રીજા પુત્રે લીધેલા વાંધા ફગાવી દેતા ટ્રાયલ કોર્ટના ચુકાદાને ડિસ્ટ્રિક્ટ કોર્ટે કાયમ રાખી અપીલ રદ કરવા હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ, પ્રતિષ્ઠિીત વેપારી અને ઉદ્યોગપતિ કેશવલાલ દેવજીભાઈ પટેલનું વર્ષ : ૨૦૦૯માં અવશાન થયું હતું. વારસોમાં ત્રણ પુત્રો અને એક પુત્રી હતા. સ્વ. કેશવલાલ દેવજીભાઈ પટેલે તેમની હયાતીમાં જુદા જુદા ચાર રજિસ્ટર વિલ બનાવેલ અને છેલ્લું ચોથું આખરી રજિસ્ટર્ડ વિલ તેમણે તા.૨૭/ ૧૧/ ૨૦૦૮ના રોજ બનાવેલું, આ આખરી વિલ મુજબ, તેમની મિલ્કતો કે જે શહેરમાં નંદકિશોર કો- ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના બ્લોક નં. ૬નો બંગલો, સિટી સર્વે વોર્ડ નં.૭ સિટી સર્વે નં. ૩૫૪૬ ઉપર આવેલુ મકાન તેમજ ભકિતનગર સ્ટેશન પ્લોટ શેરી નં. ૯-એમાં જમીન ચો.વાર ૨૪૨-૦૦ ઉપર આવેલ સુપર ઇન્ડીયા બ્રાસ પાર્ટસ ઇન્ડસ્ટ્રીઝ ભાગીદારીવાળી મિલ્કત તેના પુત્ર રાજેન્દ્ર કેશવલાલ પટેલને તથા ૨મેશ કેશવલાલ પટેલને આપવાનું ઠરાવેલું. જેથી તે વિલનું લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન મળવા આ બંને પુત્રોએ ૨૦૦૯માં રાજકોટની સિવિલ કોર્ટમાં દિવાની પરચુરણ અરજી દાખલ કરી હતી. જેની સામે ગુજરનારના ત્રીજા પુત્ર પ્રતાપ કેશવલાલ પટેલે વાંધો લીધેલ અને પરિણામે આ કેસ તકરારી બનતાં ડિસ્ટ્રિક્ટ અદાલતે સિવિલ કોર્ટને કેસ ચલાવવા સત્તા આપતા સિવિલ અદાલતે પ્રતાપ કેશવલાલ પટેલના વિલ સામેના તમામ વાંધા ફગાવી વિલ સાબીત માની લેટર ઓફ એડમીનીસ્ટ્રેશન આપવાનો હુકમ કર્યો હતો. જે હુકમથી નારાજ થઈ પ્રતાપ કેશવલાલ પટેલે આ ચુકાદાને ચેલેન્જ કરતી અપીલ ડિસ્ટ્રિકટ કોર્ટમાં દાખલ કર્યો હતો. એડિશનલ ડિસ્ટ્રિકટ જજ સલીમ અબ્દુલ્લા ગલેરીયાએ સ્પષ્ટપણે ઠરાવેલ છે કે ગુજરનાર કેશવલાલે તેના પુત્રની તરફેણમાં જે વિલ કરેલ છે તે આખરી વિલ શંકાસ્પદ સંજોગોમાં થયેલાનું જણાતું નથી તેવા ટ્રાયલ કોર્ટના ફાઈડિંગ્સમાં કોઈ કાયદાકીય કે હકીકતની ભુલ જણાઇ આવતી નથી અને તેથી વિલ સામે વાંધા લેનાર વાંધેદાર પ્રતાપ કેશવલાલ પટેલની અપીલ રદ કરી નીચેની અદાલતનો ચુકાદો કાયમ રાખેલ છે.
આ કામમાં મુળ અરજદાર વતી એડવોકેટ તરીકે વરિષ્ઠ ધારાશાસ્ત્રી અર્જુન એસ. પટેલ, મહેન એમ. ગોંડલીયા, રવિન એન. સોલંકી, ભાર્ગવ એ. પાનસુરીયા તથા આકાંક્ષ રાજદેવ રોકાયા હતા.