Rajkot, તા. 10
રાજકોટ મહાપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને મળતી સરકારી સત્તાવાર મોટર સુવિધાનો ઉપયોગ અન્ય રાજયોના પ્રવાસ માટે નિયત ચાર્જ કરીને કરી શકવાનો નિયમ છે. પરંતુ ગત તા. 6ના રોજ રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, મહિલા મોરચાના હોદ્દેદાર અને પરિવારજન સાથે પ્રયાગરાજ ખાતે કુંભના મેળામાં મેયરની સત્તાવાર કાર લઇને જતા આજે એકાએક સુરજ ઉગવા સાથે વિવાદ પણ ઉગી નીકળ્યો હતો.
પદાધિકારીઓના આ અન્ય રાજયના પ્રવાસનો ખર્ચ પ્રતિ કિ.મી. રૂા. બે હોવાના જુના ઠરાવ વચ્ચે આ મામલો આજે મહાપાલિકામાં પણ ગાજતા હવે પદાધિકારીઓની ગાડીનો આવો ખર્ચ બજારમાં જે પ્રતિ કિ.મી. ભાડુ ચાલતું હોય તે મુજબ વસુલવાનો ઠરાવ કરવામાં આવશે તેવું સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે જાહેર કર્યુ છે.
મેયર નયનાબેન પેઢડીયા છ દિવસ માટે પ્રયાગરાજ ગયા છે. તેઓ તા.12 બાદ રાજકોટ પરત ફરવાના છે. આ દરમ્યાન તેઓ કોર્પો.ની સત્તાવાર કાર લઇને કુંભમેળામાં ગયાના અહેવાલ આજે ચાર દિવસ બાદ વહેતા થયા હતા. મેયરની ગાડી પ્રયાગરાજમાં પડી હોવાના અને આ કારમાં કપડા પણ સુકવવામાં આવ્યાના કથિત ફોટો રાજકોટ સુધી પહોંચ્યા હતા.
દરમ્યાન મેયરે સરકારી ગાડીનો અંગત પ્રવાસ માટે ઉપયોગ કર્યાનો હોબાળો તેમની ગેરહાજરીમાં થતા અધિકારીઓએ પણ મંજૂરીની પ્રક્રિયાના કાગળો હાથ પર લીધા હતા. તેમણે સત્તાવાર રીતે અગાઉની વ્યવસ્થા મુજબ પત્ર લખીને કમિશ્નરની મંજૂરી લીધી હતી. તેમાં કિલોમીટર દીઠ ચાર્જ સહિતની નોંધ પણ છે.
બીજી તરફ મનપાના ચૂંટાયેલા પદાધિકારીઓને પ્રજાના ખર્ચે મળતી સુવિધા અને કિલોમીટર દીઠ ટોકન જેવું ભાડુ ભરવાના નિયમ સામે સવાલો ઉઠતા સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે જવાબ આપ્યા હતા. સાથે જ હવે નવા નિયમો ઘડવાની પણ જાહેરાત કરી હતી.
ચેરમેને જણાવ્યું હતું કે, 10 વર્ષ અગાઉ કરાયેલા ઠરાવ મુજબ ગુજરાતમાં સત્તાવાર કારમાં કોઇ પણ સ્થળે ગાડીને પાત્ર પદાધિકારીઓનો આ ગાડીમાં પ્રવાસ તંત્રના ખર્ચે હોય છે. પરંતુ ગુજરાત બહાર વાહન જાય એટલે પ્રતિ કિ.મી. રૂા. બે લેખે ભાડુ ભરવાનું હોય છે. ગાડીમાં જ રહેતી ફાયર બ્રિગેડની લોગબુકમાં આ તમામ કિલોમીટરની નોંધ કરવામાં આવે છે. હવે આ ભાડુ ‘વાજબી’ કરવું અનિવાર્ય છે.
ચેરમેને તત્કાલ લીધેલા નિર્ણય અંગે પણ કહ્યું હતું કે, કોર્પો.ના એકટ મુજબ ભુતકાળમાં પણ પદાધિકારીઓ આ રીતે પ્રવાસ કરીને ચાર્જ ભરી ચૂકયા છે. છતાં કોઇ ચૂંટાયેલા લોકોને ટોકન દરે પ્રવાસ કરવાની જરૂર નથી.
હવે પછી મળનારી સ્ટે.કમીટીની મીટીંગમાં તેઓ એક નવો ઠરાવ પસાર કરશે જે અંતર્ગત હવે આ સરકારી મોટરનું ભાડુ ગુજરાત બહાર જેટલું ખાનગી ટેકસીમાં ચાલતું હોય એટલું જ રાખવામાં આવશે. વધુમાં ઇંધણના ભાવો ધ્યાને લેતા દર ત્રણ વર્ષે તેની સમીક્ષા કરવા પણ જોગવાઇ દાખલ કરવામાં આવશે.
આ રીતે પ્રજાના ખર્ચે મળતી ભૌતિક સુવિધાના અંગત ઉપયોગ માટે પણ સ્વખર્ચ યોગ્ય ચાર્જ સાથે પદાધિકારીઓએ ભરવો પડે એવી વ્યવસ્થા ટુંક સમયમાં દાખલ થશે તેવું જયમીન ઠાકરે કહ્યું હતું.
કમિશ્નરની મંજૂરી બાદ મેયર સત્તાવાર કારમાં પ્રયાગરાજ ગયા : ભાડુ પણ ભરશે
ભુતકાળમાં અનેક પદાધિકારીઓ આ જ રીતે પ્રવાસ કરી ચૂકયાનો રેકોર્ડ
મેયર નયનાબેન પેઢડીયા, તેમના પતિ વિનોદભાઇ પેઢડીયા, મહિલા મોરચાના હોદ્દેદાર તા. 6 થી 12 સુધી પ્રયાગરાજ ખાતે મહાકુંભના મેળામાં ભાગ લેવા કોર્પો.ની સત્તાવાર મેયરની કારમાં ગયા છે. આ માટે તેઓએ તા. 5-12ના રોજ જ સત્તાવાર રીતે જીપીએમસીના નિયમ મુજબ કમિશ્નરની મંજૂરી લીધાનો પત્ર પણ જાહેર કરાયો છે.
ભુતકાળમાં પણ મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન સહિતના ઘણા પદાધિકારીઓેએ આ રીતે કમિશ્નરની મંજૂરી લઇને પ્રવાસ કર્યા છે. લોગબુકમાં નોંધાયેલા કિલોમીટર મુજબ ભાડુ ચુકવ્યું છે. કોર્પો.ના બંધારણીય હોદ્દાના કારણે તેમને સત્તાવાર કાર બહાર પ્રવાસમાં લઇ જવાની છુટ હોય છે.
આ મુજબ મેયરે મંજૂરી માંગતા કમિશ્નર તુષાર સુમેરાએ હુકમથી અરજી મંજૂર કરી હતી. આથી મેયર તેમની કારમાં પ્રયાગરાજ ગયા છે. આ પ્રવાસ પૂર્ણ થયે ધોરણસર ભાડાની રકમનો ચાર્જ ભરપાઇ કરવા અને ઇંધણની વ્યવસ્થા ચીફ ફાયર ઓફિસરે કરવા હુકમમાં લખવામાં આવ્યું છે.