પોલીસ પણ મારૂ કંઈ બગાડી શકશે નહિ તેવું કહેનાર રવિ ગોસ્વામી વિરુદ્ધ આજીડેમ પોલીસમાં ફરિયાદ
Rajkot,તા.11
શહેરના ગોંડલ ચોકડી નજીક પાનની દુકાનેથી સામાન લીધા બાદ પૈસા માંગતા પાનના ધંધાર્થીને છરી બતાવી આટલી જ વાર લાગશે તેમ કહી ધમકી આપનાર અને પોલીસ પણ મારૂ કંઈ બગાડી નહિ શકે તેવી શેખી હાંકનાર રવિ ગોસ્વામી વિરુદ્ધ આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મામલામાં કોઠારીયા વિસ્તારમાં આવેલ જયપાર્કમાં રહેતા અને ગોંડલ ચોકડી નજીક ચા-પાણીની દુકાન ચલાવતા નીતીનભાઈ છગનભાઈ જાલોંધરા (ઉ.વ.૨૬) નામના યુવકે જણાવ્યું હતું કે, ગઈકાલે સવારના નવેક વાગ્યે હુ મારા ઘરે હાજર હતો તે વખતે મારા પિતા દુકાનેથી ઘરે આવેલ અને મને વાત કરેલ કે ગત રાત્રીના ત્રણેક વાગ્યે હું તથા કારીગર અમીતભાઈ અને નાનજીભાઈ દુકાને હાજર હતા. તે વખતે રવિ ગોસ્વામી આવેલો અને સીગરેટ,માવો અને પાણીની બોટલ માગેલી હતી. જેથી મે તેને આપેલી વસ્તુના રુપીયા માગેલ તો કહેલ કે એકેય રુપીયા આપવાના થતા નથી તેમ કહી નેફામાથી છરી કાઢી મને કહેતો હતો કે, જો મારી પાસે રુપીયા માંગશો તો આટલી વાર લાગશે તેમ કહી છરી બતાવેલ હતી. બાદમાં જેમ ફાવે તેમ ગાળો આપતો હતો અને ગ્રાહકોને પણ હેરાન કરેલ હતા. વધુમાં રવિ એવુ કહેતો હતો કે, પોલીસ પણ મારુ કાઈ નહીં કરી શકે અને તમે પોલીસમાં ફરીયાદ કરસો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને જતો રહેલ હતો.
જે મામલે યુવકે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા લુખ્ખા તત્વ રવિ ગોસ્વામી વિરુદ્ધ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ એ એચ ગોહિલ શોધખોળ શરૂ કરી છે.