પોલીસના નામે યુવકને ઉઠાવી જનાર ચાર શખ્સોં વિરુદ્ધ નોંધાતો ગુનો
Rajkot,તા.11
શહેરમાં એકતરફ જયારે નકલી પોલીસ બની લુખ્ખા તત્વો તોડ કરી રહ્યા છે ત્યારે હવે નકલી પોલીસ બની એક યુવકનું અપહરણ કરી માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. ક્રિકેટ સટ્ટાના 22 લાખનો હવાલો લઇ ચાર શખ્સોં યુવકને સહકારનગર રોડ પરથી ઉઠાવી ગયાં બાદ જામનગર રોડ પર સાયબર ક્રાઇમ પોલીસ મથક નજીક લઇ જઈ બેફામ માર માર્યાની ફરિયાદ ભક્તિનગર પોલીસમાં નોંધાઈ છે. મામલામાં પ્રાપ્ત વિગતો મુજબ કોઠારીયા રોડ પરની રામેશ્વર સોસાયટીમાં રહેતા અને શાકભાજીનું વેચાણ કરતા રવિ રમેશભાઈ ધાંગીયા ઉ.૨૫ નામના યુવકનું સહકાર મેઈન રોડ પર આવેલ જે માડી ચા ની હોટેલ પરથી ભાર્ગવ ચોટલીયા, ધુવરાજ અને બે અજાણ્યા શખસોએ વાહનમાં અપહરણ કરી લઇ ગયા હતા અને પોલીસ હેડક્વાટર્સ થઇ સાઈબર ક્રાઈમ પોલીસ મથક પાસે લઈ જઈ પટ્ટા અને ઢીકાપાટુંનો મારમારી યુવકને જવા દીધો હતો અને રવિના ભાઈને સાઈબર ક્રાઈમ પોલીસ મથકના સ્ટાફ તરીકે ઓળખ આપી રવીને લઇ જવાની વાત કરી હતી. ભોગ બનનાર રવીના પિતા ભકિતનગર પોલીસ મથકે મદદ માટે જતા ફરજ પર રહેલા પીએસઆઈ વી.એલ.રાઠોડે જયારે સાઈબર ક્રાઈમ પોલીસ મથકના સ્ટાફ તરીકે ઓળખ આપનાર ધુવરાજસિંહને ફોન કરતા પોતે ભક્તિનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા રાજદીપસિંહનો ભાઈ હોવાની સાચી વાત કરતા આ મામલે ભક્તિનગર પોલીસે અંતે ગુનો નોંધ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ભાર્ગવ ચોટલીયાનું ઓનલાઈન જુગારનું આઈડી રવિ વાપરતો હતો. જેમાં ભાર્ગવને રવિ પાસેથી ૨૨ લાખ લેવાના હોવાથી તેની ઉઘરાણી કરવા ધુવરાજસિંહને હવાલો આપવામાં આવ્યો હતો જેથી ધ્રુવરાજસિંહે પ્રથમ સાઈબર ક્રાઈમ પોલીસના સ્ટાફ તરીકેની ઓળખ આપી રવિના ભાઈ કિશનને ધમકાવ્યો હતો.બાદમાં અપહરણ કરી મારકુટ કરી હતી. ભકિતનગર પોલીસે આ ઘટનામાં રવીની ફરિયાદને આધારે ગુનો નોંધી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર ધ્રુવરાજસિંહ સહિતના ચારની ધરપકડ માટે શોધખોળ શરૂ કરી છે.