ભણસાલીની ફિલ્મો ઘણી અલગ હોય છે, આખરે વિકી કૌશલે ભણસાલીની ‘લવ એન્ડ વૉર’ વિશે વાત કરી
Mumbai, તા.૧૧
લગભગ છેલ્લાં એક વર્ષથી સંજય લીલા ભણસાલીની ફિલ્મની ચર્ચાઓ ચાલે છે, જેમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને વિકી કૌશલ એકસાથે કામ કરી રહ્યાં છે. સંજય લીલા ભણસાલીએ ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’ માટે શાંતિથી ચુપચાપ શૂટિંગ શરૂ પણ કરી દીધું. મુંબઇના વિવિધ લોકેશન પર આ ફિલ્મ શૂટ થઈ રહી છે. આ રોમેન્ટિક એક્શન ફિલ્મ ઇદ ૨૦૨૬ પર રિલીઝ થવાની શક્યતા છે. તાજેતરમાં એક માસ્ટરક્લાસ દરમિયાન વિકી કૌશલે ભણસાલી સાથે કામ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરી હતી. વિકીએ કહ્યું,“મને લાગે છે કે બધાં જ સમજશે કે કેમ દરેક કલાકાર એવું કહે છે કે સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કામ કરવું એ એમનું સપનું હોય છે. એ એક માસ્ટર અને જિનિયસ છે. તેમને કામ કરતા જોવા એ એક લ્હાવો છે, એ જે કરે છે એમાં એમની માસ્ટરી છે. એમની ફિલ્મો હંમેશા ખાસ હોય છે અને હંમેશા અલગ હોય છે. એ જે દુનિયા રચે છે, પાત્રો વચ્ચે જે પ્રકારના સંબંધો રચે છે તે અદ્દભુત છે. તેમનાંમાંથી ઘણું શીખવાનું છે. અમે હજુ તો એ ફિલ્મ પર કામ કરવાની શરૂઆત કરી છે, મને રણબીર આલિયા સાથે કામ કરવાની પણ મજા આવે છે. એ બંને સાથે સંજુ અને રાઝી પછી આ મારી બીજી ફિલ્મ છે. તેથી સેટ પર કામ કરવાની મજા આવે છે. ફિલ્મ વિશે હું કશું જ વધારે કહી શકીશ નહીં, પરંતુ હું ખરેખર છાવા અને લવ ઍન્ડ વૉરની રાહ જોઉં છું.”જ્યારે એક ઇન્ટરવ્યુમાં વિક્કી કૌશલે મેડોકના હોરર કોમેડી યુનિવર્સમાં કામ કરવા અંગે જણાવ્યું,“મને બહુ જ ગમશે. મને ગમશે કારણ કે આ એક જોનર છે, જેમાં મેં હજુ સુધી કામ કર્યું નથી. તો એવું કશુંક આવે, ખાસ કરીને કશુંક જો મેડોક તરફથી આવે, જેમની આ જોનરમાં માસ્ટરી છે તો મને ચોક્કસ કરવું ગમશે.” વિકીની છાવા પણ મેડોક દ્વારા જ પ્રોડ્યુસ કરવામાં આવી છે અને પરશુરામ ભગવાન પરની ફિલ્મ પર પણ તે કામ કરી રહ્યો છે.વિકીના છાવાના ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકરે પણ સ્ત્રી ૨ના ડિરેક્ટર અમર કૌશિકના વખાણ કર્યા હતા. ઉટેકરે કહ્યું,“હોરર કોમેડી માટે તો આપણા અમર કૌશિક છે ને. હું એનાથી સારું કામ ન કરી શકું. એ ઉત્તમ ડિરેક્ટર છે અને એ જોનરમાં એણે જે પકડ જમાવી છે કે, ૬૦૦-૭૦૦ કરોડ કમાય છે. મને નથી લાગતું એ જોનરમાં કોઈ એમના જેવું કામ કરી શકે. તો હું તો કોશિશ પણ નહીં કરું.”વિકીની છાવા ૧૪ ફેબ્રુઆરીએ, વૅલેન્ટાઇન ડે તેમજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે રિલીઝ કરવામાં આવશે. જેમાં રશ્મિકા મંદાના વિકી સાથે લીડ રોલમાં જોવા મળશે.