Junagadhતા.15
રાજકોટ જીલ્લાની 5 સહિત સૌરાષ્ટ્રની કચ્છ 32 નગરપાલિકા અને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવતીકાલે તા.16 ને રવિવારે યોજાનારી ચૂંટણીમાં સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થનાર છે.
જેમાં રાજકોટ જીલ્લામાં જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા એમ પાંચ નગરપાલિકાની તેમજ ગોંડલ, જેતપુર, ઉપલેટા, અને જસદણ એમ ચાર તાલુકા પંચાયતની ડુમીયાણી, મોટીપાનેલી, આંબરડી, ભાડલા, પીઠડીયા અને સુલતાનપુર એમ છ બેઠકોની પેટા ચૂંટણી યોજાશે તેની સાથોસાથ જામજોધપુર, કાલાવડ, સલાયા, દ્વારકા, ભાણવડ, બાંટવા, માણાવદર, માંગરોળ, વિસાવદર, વંથલી, ચોરવાડ, કોડીનાર, રાપર, ભચાઉ, લાઠી, જાફરાબાદ, રાજુલા, ચલાલા શિહોર, ગારીયાધાર, તળાજા, હળવદ,થાનગઢ, કુતિયાણા અને રાણાવાવ પાલીકાની ચૂંટણી યોજાનાર છે.
આ ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે ચૂંટણી આયોગ અને વહીવટી તંત્ર દ્વારા સજજડ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.ચુંટણીની મત ગણતરી મંગળવારે થશે.
જોકે આ ચૂંટણીમાં મતદારો હજુ નિરસ રહ્યા છે.નગરપાલીકાની આ ચૂંટણીમાં આજે બપોરનાં ચૂંટણી કર્મચારીઓએ મતદાન મથકો પર પહોંચી મતદાન મથકોનો કબ્જો સંભાળી લીધો છે ચૂંટણીમાં મતદારો ઓળખના પુરાવારૂપે ચૂંટણી કાર્ડ ઉપરાંત ફોટા સાથેનો પાસપોર્ટ ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ તેમજ રાજય સરકાર-કેન્દ્ર સરકાર જાહેર સાહસો અથવા પબ્લીક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓનાં કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેના ઓળખકાર્ડ પબ્લીક સેકટર બેંકો અને પોસ્ટ ઓફીસો તરફથી આપવામાં આવતા ફોટા સાથેની પાસબુક સહીતનાં દસ્તાવેજો રજુ કરી મતદાન કરી શકશે.
પાકિસ્તાન આ ચૂંટણીમાં ગઈકાલે સાંજે પ્રચાર-પ્રસાર ભુંગળા શાંત થયા બાદ ઉમેવારો હવે ડોર-ટુ-ડોર પ્રચાર કરી રહ્યા છે ઉમેદવારો મતદારોને રીઝવવા માટે કોઈ તક છોડતા નથી પરંતુ આ વખતે મતદારો નિરસ રહ્યા છે. રાજકીય પક્ષોનાં ઉમેદવારોએ બેઠકો કબ્જે કરવા માટે એડીચોટીનું જોર લગાવી દીધુ છે જોકે ઉમેદવારોના રાજકીય ભાવીનો ફેંસલો મંગળવારે મત ગણતરી થશે.
ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી આયોગ અને વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મતદાન બુથો પર દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર સહીતની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત મતદાન મથક દીઠ 1-1 પોલીસ કર્મચારી જીઆરડી જવાન તૈનાત કરવામાં આવશે. તેમજ સંવેદનશીલ મતદાન મથક પર વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.
જેતપુર
જેતપુર નગર પાલીકાની ચુટણીમાં આજે કતલ ની રાત. ઉમેદવારો દ્વારા આજે તોડ મોડના જોર ચાલશે. આવતી કાલે રવિવારે યોજાનારી ચુટણીમાં 104559 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેતપુર નગર પાલીકાની ચુટણીમાં કુલ 11. વોર્ડ માં 44 બેઠકો પર યોજાશે. જેમાં કુલ 137 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે મંગળવારે મત ગણતરી થશે વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ ને આખરી ઓપ આપી રહ્યા છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. જેતપુર નગર પાલીકાની ચુટણીમાં દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે 40 વ્હીલચેરની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવેલ છે આ પાલીકા વિસ્તારની ચુટણીમાં 11 વોર્ડમાં 118 મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે જેમાં 97 મતદાન મથકો સંવેદનશીલ આવેલ છે જેમાં 700 જેટલા ચુટણી સ્ટાફને ફરજ સોપવામાં આવેલ છે.