ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના માતા-પિતાએ અગાઉ તોફાની વિદ્યાર્થીને સમજાવ્યો હતો, પણ તે સમજ્યો નહોતો
Rajkot, તા.૧૫
રાજકોટના રેલનગરની આશીર્વાદ સ્કૂલમાં ધોરણ-૧૦નો એક વિદ્યાર્થી છરી લઈને સ્કૂલે પહોંચ્યો અને સાથી મિત્રને ઘા ઝીંકી દેતા તેને ઇજા પહોંચી હતી. ૧૫ વર્ષનો સગીર સ્કૂલ બેગમાં છરી લઈ પહોંચતા ચકચાર મચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ૧૫ વર્ષીય છાત્ર ધોરણ- ૧૦માં અભ્યાસ કરે છે. તે સરળ સ્વભાવનો છે. તેની સાથે જ ભણતો ટીખળખોર વિદ્યાર્થી અવારનવાર તેને હેરાન કરતો હતો. આથી સરળ સ્વભાવના છાત્રે અગાઉ બે વખત સ્કૂલમાં શિક્ષકો અને પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી છતાં તે ટીખળખોર વિદ્યાર્થી તે સરળ છાત્રને હેરાન કરતો. આજે આ છાત્ર સ્કૂલે ગયો હતો. જ્યાં ક્લાસ રૂમમાં તોફાની વિદ્યાર્થીએ પોતાના બેગમાંથી મોટી છરી કાઢી હતી અને સરળ સ્વભાવના છાત્રના હાથમાં ઝીંકી દીધી હતી. જેથી ઘાયલ છાત્ર સીધો શિક્ષક પાસે ગયો હતો. જ્યાં શિક્ષક અને સ્કૂલ સંચાલકે તોફાની વિદ્યાર્થીની બેગ ચેક કરતા મોટી છરી નીકળી હતી. એ પછી છાત્ર ઘરે ગયો અને હાથમાં છરી વાગ્યાની જાણ વાલીને કરી હતી. જેથી તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાથની સોનોગ્રાફી અને એક્સરે કરવામાં આવ્યો છે. વાલીના જણાવ્યા પ્રમાણે, સ્કૂલ સંચાલકે આરોપી વિદ્યાર્થીને સ્કૂલમાંથી કાઢી મૂકવાની ખાતરી આપી, પોલીસ ફરિયાદ ના કરવા વિનંતી કરી છે. જોકે, આ મામલે પોલીસ ફરિયાદ કરવી હોવાથી પોલીસને જાણ કરવામાં આવી છે. આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના માતા-પિતાએ અગાઉ તોફાની વિદ્યાર્થીને સમજાવ્યો હતો. પણ તે સમજ્યો નહોતો. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.