Ahmedabad,તા.૧૯
ગુજરાતમાં જે રીતે રોજ ક્યાંકને ક્યાંક દારૂનો જથ્થો ઝડપાય છે જેને પગલે દારૂબંઘી કાગળ પર જ હોવાનું દેખાય છે. દરમિયાન અમદાવાદમાં પણ ફરી એક વખત દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. અમદાવાદના પ્રેમ દરવાજા પાસેથી દારુના જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. એટલું જ નહી દારૂની હેરાફેરી કરવાનો બુટલેગરનો નવો કીમિયો પણ સામે આવ્યો છે.
લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી, જેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દારૂની હેરાફેરી કરવાનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. અલગ અલગ બેટરીના બોક્સમાં ૧૮૦ જેટલી દારૂની બોટલ સાથે ક્રાઈમ બ્રાન્ચે કૂલ રૂપિયા ૭.૧૪ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ટ્રાન્સપોર્ટના વાહનમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. દારૂની બોટલો દિલ્હીથી બેટરીના પાર્સલમાં અમદાવાદ લાવવામાં આવી રહી હતી.
જો કે આ અંગેની બાતમી ક્રાઈમ બ્રાન્ચને અગાઉથી જ મળતા ટીમે પ્રેમ દરવાજા પાસે ગુરુ લોજીસ્ટિક ટ્રાન્સપોર્ટમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો છે.આ સાથે જ ક્રાઈમ બ્રાન્ચે રાજકોટથી દારુની ડિલવરી લેવા આવેલા બુટલેગરની પણ ધરપકડ કરી લીધી છે. દારુ લેવા આવેલા બુટલેગર રાજપાલસિંહ રાઠોડની સ્વીફ્ટ ગાડી સાથે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
આ સાથે જ દારૂ મગાવનારા રાજકોટના બુટલેગર યશ ઠાકરને પણ ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ જાહેર કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ આરોપીને ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરી છે.