Surendranagar,તા.20
સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૪ કેન્દ્રો પરથી ધોરણ-૧૦ અને ૧૨ના કુલ ૩૧,૫૭૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેથી બોર્ડની પરીક્ષા સંદર્ભે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટર દ્વારા પરીક્ષાલક્ષી એક્શન પ્લાનના આધારે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.
જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ, પરીક્ષા સમિતિના સભ્યો આગામી બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીઓ અને આયોજન અંગે બેઠક મળી હતી જેમાં શિક્ષણ મંત્રી વર્ચ્યુલી જોડાયા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.૨૭ ફેબુ્રઆરીથી તા.૧૭ માર્ચ સુધી ધોરણ-૧૦ અને ધો.૧૨ની સામાન્ય તથા વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષા યોજવામાં આવશે. આણંદ જિલ્લામાં ધો.૧૦માં ૧૯,૮૩૩, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૦,૪૮૮ અને વિજ્ઞાાન પ્રવાહમાં ૧,૨૬૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
એસએસસીની પરીક્ષા માટે ૨૦ પરીક્ષા કેન્દ્રો ઉપર ૭૬ બિલ્ડિંગોમાં ૬૮૧ બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે ૧૨ પરીક્ષા કેન્દ્રો પર ૪૧ બિલ્ડિંગોના ૩૨૯ બ્લોકમાં એચએસસી સામાન્ય પ્રવાહ તથા બે પરીક્ષા કેન્દ્રો ઉપર ૭ બિલ્ડિંગના ૬૦ બ્લોકમાં વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષા યોજવામાં આવશે.
બોર્ડની પરીક્ષા સંદર્ભે આણંદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં બોર્ડની પરીક્ષામાં પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ, વિદ્યાર્થી હેલ્પલાઈન નંબર, પરીક્ષા કંટ્રોલરૂમ, જિલ્લા-તાલુકા-ગ્રામ્યકક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવવા અને વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેવું આયોજન કરવા જણાવ્યું હતું. તેમજ પરીક્ષાલક્ષી એક્શન પ્લાનના આધારે કામગીરી કરવા તાકીદ કરી હતી.