Kolkata, તા.૨૦
પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાએ ફરી તોફાન મચાવ્યું છે. ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના ગાયઘાટ વિસ્તારમાં મંગળવારે બપોરે અચાનક આવેલા વાવાઝોડાના કારણે મસમોટું નુકસાન થયું છે. ભારે પવન અને કરા પડવાના કારણે ૩૫ કાચા મકાનો ધરાશાઈ થયા છે, જેમાં અનેક લોકોને ઈજા થઈ છે. આ આફતમાં ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે.
મીડિયા રિપોર્ટ મુજબ, સ્થાનિકોએ કહ્યું કે, ‘વાવાઝોડું એટલું ઝડપી અને ભયંકર હતું કે, અમને બચવાનો પણ સમય ન મળ્યો. થોડી જ મિનિટોમાં અનેક ઘરોની છત ઉડી ગઈ, દિવાલો તૂટી ગઈ અને ખેતરોનો પાક નાશ પામ્યો. આ વાવાઝોડાએ બધું જ નષ્ટ કરી નાખ્યું. ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાક સંપૂર્ણ નાશ પામ્યો. અમારા કેટલાક પશુઓ પણ વાવાઝોડાની ઝપેટમાં આવતા મૃત્યુ પામ્યા.’