રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ ટેરિફ મુદ્દે કોઈ રાહતના સંકેતો ના જણાતા તેમજ રશિયાએ યુક્રેનના ન્યૂક્લિયર પ્લાન્ટમાં ડ્રોન વડે હુમલો કરતાં જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ વધતા ગત સપ્તાહે પણ ભારતીય શેરબજારમાં ઘટાડો યથાવત રહ્યો હતો.
અમેરિકા દ્વારા ભારત પર ક્રુડ ઓઈલની ખરીદીનું દબાણ વધારતી તાજેતરની બન્ને દેશો વચ્ચેની ડિલ અને બીજી તરફ ઓપેક દેશો દ્વારા એપ્રિલ પૂર્વે ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં વધારો નહીં કરવાના નિર્ણય અને એપ્રિલથી અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફ લાદવાના નેગેટીવ પરિબળોએ વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં પણ દરેક ઉછાળે સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
શેરબજારની યાદીમાં ભારત ૨૦૨૫માં વિશ્વનું સૌથી ખરાબ પ્રદર્શન કરનારૂં ટોચનું બજાર બન્યું છે. વિશ્વના પાંચમા સૌથી મોટા શેરબજારમાં રોકાણકારોની સંપત્તિમાં આ વર્ષે ૧૮.૩૩% થી વધુનો ઘટાડો થયો છે. સૌથી ખરાબ પ્રદર્શનમાં ભારત બાદ ઝિમ્બાબ્વેનું શેરબજાર વિશ્વમાં બીજા ક્રમે છે. આઇસલેન્ડ ત્રીજા નંબરે છે તેમ બ્લૂમબર્ગના રિપોર્ટમાં જાણવા મળ્યું છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના પ્રારંભથી જ ભારતની ઈક્વિટી માર્કેટના સતત ધોવાણને પરિણામે ઈક્વિટીસની વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ઘટી ૩.૬૩% સાથે ૧૮ માસની નીચી સપાટીએ પહોંચી ગયો છે. ગયા વર્ષના જુલાઈમાં વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ૪.૬૪% સાથે ઓલટાઈમ હાઈ રહ્યો હતો. ભારતીય શેરબજારમાં છેલ્લા ૩ – ૪ મહિનાથી એકતરફી મંદીનો માહોલ યથાવત રહ્યો છે. રાષ્ટ્ર પ્રમુખ પદે ડોનાલ્ડ ટ્રમ્પની વરણી, વિદેશી રોકાણકારોની એકધારી વેચવાલી અને રૂપિયામાં પણ સતત ઘસારાને કારણે શેરબજારનું માનસ ખરડાયું છે. સપ્ટેમ્બરના રેકોર્ડ શિખરેથી બેંચમાર્ક ઈન્ડેકસમાં ભારે કડાકો જોવા મળ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂલ્ય ૮ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું છે.
સતત વેચવાલીને કારણે શેરબજારનું માર્કેટ કેપ ૪૦૦ ટ્રિલિયન રૂપિયાની નીચે ઉતરી ગયું છે. રિસર્ચ ડેટા પરથી જાની શકાય કે ૧૪ મહિનામાં માર્કેટ કેપ પ્રથમ વખત રૂ.૪૦૦ લાખ કરોડની નીચે ઉતર્યું છે. પ્રથમ વખત ૧૦ એપ્રિલના રોજ આ માઈલસ્ટોન બીએસઈએ હાંસલ કર્યો હતો અને આ સપ્તાહે ૬ જૂન, ૨૦૨૪ બાદ પ્રથમ વખત માર્કેટ કેપમાં આ લેવલ જોવા મળ્યું છે. રેકોર્ડ ટોચની વાત કરીએ તો ૨૯મી સપ્ટેમ્બરે ભારતીય શેરબજારની કુલ સંપત્તિ રૂ.૪૭૭.૯૩ ટ્રિલિયનની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી હતી. ડોલરની દ્રષ્ટિએ જોઈએ તો ભારતનું માર્કેટ કેપ ૪ ટ્રિલિયન ડોલરથી નીચે આવી ગયું છે. ડોલર ટર્મમાં માર્કેટ કેપ રેકોર્ડ ટોચેથી ૧.૨ ટ્રિલિયન ડોલર ઘટીને ડિસેમ્બર, ૨૦૨૩ના તળિયે આવી ગઈ છે. ૫.૧૮ લાખ કરોડ ડોલરના શિખરેથી બજાર મૂલ્ય ૧.૨૦ લાખ કરોડ ડોલરનો ઘટાડો થયો છે. આ વર્ષે ડોલર સામે રૂપિયામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દોઢ મહિનામાં ડોલર સામે રૂપિયો અંદાજીત ૧.૫% ઘટયો છે. આ રીતે એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શનની દ્રષ્ટિએ રૂપિયો બીજા સ્થાને છે. ઇન્ડોનેશિયન રૂપિયાએ રૂપિયા કરતાં પણ ખરાબ પ્રદર્શન કર્યું છે.
મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક
તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુન ૨૦૨૪માં રૂ.૨૮૬૩૩.૧૫ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૦૧૭૪.૮૬ કરોડની ખરીદી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૦૮૫૭.૩૦ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૦૭,૨૫૪.૬૮ કરોડની ખરીદી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૪૮૩.૮૬ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૪૧૯૪.૭૩ કરોડની ખરીદી, જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૬૫૯૧.૮૦ કરોડની ખરીદી તેમજ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૨૧૬૫૫.૨૦ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુન ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૭.૪૭ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૩૯.૨૬ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૨૬૧૧.૭૯ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૧૪,૪૪૫.૮૯ કરોડની વેચવાલી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૫૯૭૪.૧૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૬૯૮૨.૪૮ કરોડની વેચવાલી જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની વેચવાલી તેમજ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૨૪૮૮૮.૭૪ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, આ વર્ષે જે આર્થિક ઘટનાઓ બની છે તેના પરિણામોને લઈને વિશ્વભરમાં ઘણી ચિંતા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકે તેમના આર્થિક અંદાજો જાહેર કર્યા છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડનો અંદાજ છે કે ૨૦૨૫માં વિશ્વની અર્થવ્યવસ્થા ૩.૩%ના દરે વૃદ્ધિ પામશે, જ્યારે વિશ્વ બેંકે ૨.૭% વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. સ્થાનિક સ્તરે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના પ્રથમ અંદાજ મુજબ, ભારતની અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં ૬.૪%ના દરે વૃદ્ધિ પામશે. ગત નાણાકીય વર્ષમાં હાંસલ કરાયેલ ૮.૨%ની ગતિ કરતાં આ ઘણી ધીમી છે.
માત્ર મધ્યમ ગાળામાં વૃદ્ધિની આગાહીઓ જ પડકારજનક નથી, નજીકના ભવિષ્યમાં પણ ઘણા જોખમો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે સંકેત આપ્યો છે કે ટેરિફના નવા નીતિનિયમોઓ વેપાર તણાવમાં વધારો કરી શકે છે, રોકાણમાં ઘટાડો કરી શકે છે, બજારની કાર્યક્ષમતા ઘટાડી શકે છે. સંરક્ષણવાદી નીતિઓ સાથે અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર પાસેથી જે પ્રકારની નાણાકીય નીતિની અપેક્ષા છે તે નજીકના ભવિષ્યમાં અમેરિકાના વિકાસ દરમાં વધારો કરી શકે છે. પરંતુ આનાથી રાજકોષીય અને નાણાકીય નીતિઓમાં ભારે ફેરફારો થઈ શકે છે જે સમગ્ર વિશ્વમાં નાણાંની અસર અને ડોલરની મજબૂતાઈને કારણે રૂપિયા પર દબાણ ચાલુ રહેવાની સંભાવના છે.
યુએસ ફેડરલ રિઝર્વે તેના અંદાજમાં સુધારો કર્યા બાદ અને રેટ કટની ગતિ ધીમી રહેશે તે પછી સમગ્ર વિશ્વમાં બોન્ડ યીલ્ડમાં વધારો થયો હતો. જો કે ઘણા લોકો ફેડના વલણને બદલવાની વાત કરી રહ્યા નથી, પરંતુ જો અમેરિકામાં નબળી રાજકોષીય નીતિની સાથે ટેરિફમાં વધારો થશે, તો ફેડને તેના વલણ પર પુનર્વિચાર કરવાની ફરજ પડશે. જો દરમાં વધારો થશે તો વૈશ્વિક બજારોમાં ભારે અફડાતફડી થઈ શકે છે તેથી સ્થાનિક સ્તરે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!
ફયુચર રોકાણ
(૧)ભારતીય એરટેલ (૧૬૩૬) : ટેકનિકલ ચાર્ટ મુજબ આ ફયુચર સ્ટોક રૂા.૧૫૮૦ ના સપોર્ટથી ખરીદવાલાયક…!! ટેલિકોમ સેલ્યુલર અને ફિકસ્ડ લાઇન સર્વિસ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૧૬૭૩ થી રૂા.૧૬૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(ર) ) ICICI બેન્ક (૧૨૩૩) : આ સ્ટોક રૂા.૧૨૦૨ નો પ્રથમ અને રૂા.૧૧૮૦ નો બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે ફંડામેન્ટલ આ સ્ટોક રૂા.૧૨૫૩ થી રૂા.૧૨૬૦ સુધીની તેજી તરફ રૂખ નોંધાવશે…!!
(૩)એસબીઆઇ કાર્ડસ (૮૩૫) : ૮૦૦ શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.૭૮૭ પ્રથમ તેમજ રૂા.૭૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળ ટ્રેડિંગલક્ષી રૂા.૮૪૮ થી રૂા.૮૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા છે…!!
(૪)ટેક મહિન્દ્રા (૧૬૫૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૬૯૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૭૦૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૬૧૬ થી રૂા.૧૬૦૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૭૧૪ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!
(પ)જીંદાલ સ્ટીલ (૮૭૬) : રૂા.૮૯૮ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતા આ સ્ટોક રૂા.૯૦૯ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! ટૂંકાગાળે રૂા.૮૬૦ થી રૂા.૮૩૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૯૧૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૬) )HDFC લાઇફ (૬૨૧) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૬૪૬ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૬૫૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૬૦૬ થી રૂા.૫૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૬૬૦ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧)ઓઈલ ઈન્ડિયા લિ. (૩૮૫) : અ/ઝ+૧ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૪૦૪ થી રૂ.૪૨૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૪૨૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
(૨)કોલ ઈન્ડિયા (૩૫૫)ઃ ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૪૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૭૮ થી રૂ.૩૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩)જ્યુપિટર વેગન્સ (૩૦૩)ઃ રૂ.૨૮૮ નો પ્રથમ તેમજ રૂ.૨૭૪ ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૨૮ થી રૂ.૩૪૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૪)મોઈલ લિ. (૩૦૩) : ઇન્ડસ્ટ્રીયલ્સ મિનરલ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૨૩ થી રૂ.૩૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!
(૫)મહિન્દ્રા લોજિસ્ટિક્સ (૨૬૭) : રૂ.૨૫૫ નો પ્રથમ તેમજ રૂ.૨૪૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી લોજિસ્ટિક્સ સોલ્યુશન પ્રોવાઇડર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૮૪ થી રૂ.૨૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૬)ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (૨૪૪) : સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૩૦ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૬૫ થી રૂ.૨૭૭ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭)પિરામલ ફાર્મા (૧૯૭) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૮૮ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટૂંકા ગાળે અંદાજીત રૂ.૨૧૭ થી રૂ.૨૩૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
(૮)આઈનોક્સ વિન્ડ (૧૬૫) : ટેકનીકલ ચાર્ટ મુજબ હેવી ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૫ આસપાસ રોકાણકારે રૂ.૧૭૮ થી રૂ.૧૮૫ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૪૭ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧)બીસીપીએલ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર (૭૦)ઃ સિવિલ કન્સ્ટ્રક્શન સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૮૪ થી રૂ.૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૬૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
(૨)ગેટવે ડિસ્ટ્રીપાર્ક (૬૩)ઃ ડિલેવરીબેઇઝ રોકાણકારે લોજિસ્ટિક્સ સોલ્યુશન પ્રોવાઇડર સેક્ટરનાં આ સ્ટોકને ૫૭ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! ટ્રેડિંગ સંદર્ભે રૂ.૭૩ થી રૂ.૮૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
(૩)ટાટા ટેલિસર્વિસીસ (૬૦)ઃ ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૩ નો પ્રથમ તેમજ રૂ.૪૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે ૭૭ થી રૂ.૮૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪)કેમ્બ્રિજ ટેક્નોલોજી (૬૦)ઃ રૂ.૫૪ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૭ થી રૂ.૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!
આગામી બે વર્ષમાં સંખ્યાબંધ કંપનીઓ આઈપીઓ થકી મૂડી બજારમાં પ્રવેશવાનો અંદાજ…!!
ભારતીય શેરબજારમાં છેલ્લા ચાર વર્ષમાં સેકન્ડરી માર્કેટની સાથે પ્રાઈમરી માર્કેટમાં સંખ્યાબંધ કંપનીઓ તેમની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ લઈને મૂડી બજારમાં આવ્યા બાદ છેલ્લા ચાર મહિનાથી વિક્રમી તેજીને બ્રેક લાગી પીછે હઠ જોવાઈ છે. આ સાથે પ્રાઈમરી માર્કેટમાં પણ ઈસ્યુઓની વણઝાર અટકતી જોવાઈ છે. જેમાં ખાસ ૨૦૨૫ના પ્રથમ બે મહિનામાં તુલનાત્મક ઓછા આઈપીઓ આવ્યા છતાં નાણા વર્ષ ૨૦૨૫-૨૬ની શરૂઆતથી પ્રાઈમરી માર્કેટમાં ઈસ્યુઓની સંખ્યામાં વૃદ્વિ ચાલુ થવાનો અંદાજ મૂકાઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૫-૨૬ અને વર્ષ ૨૦૨૬-૨૦૨૭માં મળીને બે વર્ષમાં ૧૦૦૦થી વધુ કંપનીઓ આઈપીઓ સાથે મૂડી બજારમાં પ્રવેશશે એવો અંદાજ છે.
એક રિપોર્ટ મુજબ ભારતના આઈપીઓ માર્કેટમાં ૨૦૨૫ પબ્લિક ઓફરિંગમાં ફરી વૃદ્વિ સાથે શ્રેષ્ઠ બની રહેવાનો અંદાજ છે. રોકાણની વધુ તકો અને વપરાશમાં વૃદ્વિ સાથે આર્થિક વૃદ્વિ વ્યાપક રીતે સારી રહેવાના અંદાજોએ પ્રાઈમરી માર્કેટમાં સળવળાટ વધવાની શકયતા વ્યક્ત કરાઈ છે. એસોસીયેશન ઓફ ઈન્ડિયન બેંકર્સ ઈન ઈન્ડિયા (એઆઈબીઆઈ) દ્વારા આગામી બે નાણાકીય વર્ષમાં ૧૦૦૦થી વધુ આઈપીઓ સાથે કંપનીઓ મૂડી બજારમાં પ્રવેશશે એવો અંદાજ મૂકાયો છે.
નાણા વર્ષ ૨૦૨૫-૨૬ પ્રાઈમરી માર્કેટમાં કેટલીક મોટી કંપનીઓના આઈપીઓ સાથે શ્રેષ્ઠ બની રહેવાનો અંદાજ છે. જેમાં ટેલીકોમ જાયન્ટ રિલાયન્સ જિયો રૂ.૮ લાખ કરોડના વેલ્યુએશન સાથે મેગા આઈપીઓ લઈને મૂડી બજારમાં પ્રવેશે એવો અંદાજ છે. આ સિવાય દક્ષિણ કોરિયાની હ્યુન્ડાઈના ભારતીય સાહસ હ્યુન્ડાઈ ઈન્ડિયા બાદ હવે એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા પણ તેના વર્તમાન શેરધારકોની ઓફર ફોર સેલ લઈને રોકાણકારો પાસેથી રૂ.૧૫,૦૦૦ કરોડથી વધુ મૂડી ઊભી કરવા મૂડી બજારમાં પ્રવેશે એવી શકયતા છે. આ સિવાય ઈલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રે એથર એનર્જી રૂ.૪૫૦૦ કરોડ જેટલી મૂડી ઊભી કરવા આઈપીઓ લાવે એવી સંભાવના છે.
ઉપરોક્ત પ્રમુખ મોટી કંપનીઓ સિવાય ક્વિક કોમર્સ ક્ષેત્રે ઝેપ્ટો પણ એક અબજ ડોલરના વેલ્યુએશન સાથે પ્રાઈમરી માર્કેટમાં ઈન્વેસ્ટરો પાસેથી મોટું ફંડ એકત્ર કરે એવી શકયતા છે. કેટલીક અન્ય કંપનીઓમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે જેએસડબલ્યુ સિમેન્ટ રૂ.૪૦૦૦ કરોડ સુધીના આઈપીઓ માટે ડીઆરએચપી ફાઈલ કરી શકે છે. દેશનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના આઈપીઓની તૈયારી વચ્ચે દેશની સૌથી મોટી ડિપોઝિટરી સર્વિસિઝ કંપની એનએસડીએલ પણ ઓફર ફોર સેલ થકી રૂ.૩૦૦૦ કરોડ ઊભા કરવા ઈસ્યુ લાવી શકે છે. આ સાથે ઓડિયો અને વેરેબલ બ્રાન્ડ બોટ રૂ.૨૦૦૦ કરોડનો આઈપીઓ લાવી મૂડી ઊભી કરી શકે છે.
હાલ છેલ્લા ચાર મહિનામાં સેકન્ડરી માર્કેટમાં શેરોમાં મોટું કરેકશન આવતાં રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો છે, જેના કારણે પ્રાઈમરી માર્કેટ પર પણ અસર જોવાઈ રહી છે. જેથી સેકન્ડરી માર્કેટમાં રિકવરી આવ્યા બાદ પ્રાઈમરી માર્કેટમાં નાણા વર્ષ ૨૦૨૫-૨૬ના આરંભ પછી ઈસ્યુઓની સંખ્યા વધતી જોવાશે.
ભારતની ફાર્મા કંપનીઓ પર ટ્રમ્પની ૨૫% ટેરિફની માઠી અસરની શક્યતા…!!
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્માસ્યૂટિકલ્સ તથા સેમીકન્ડકટર આયાત પર પ્રારંભમાં ૨૫% ડયૂટી લાગુ કરી પછી તેને તબક્કાવાર વધારવાનો ઈરાદો વ્યકત કર્યો છે. ટ્રમ્પ આ ટેરિફ લાગુ કરશે તો, ભારતમાં સૌથી વધુ માઠી અસર ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ-ઉદ્યોગ પર પડવાની દહેશત છે. ભારતીય ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગ દ્વારા તેની કુલ નિકાસના ૩૮%થી વધુ દવાઓની નિકાસ અમેરિકામાં થાય છે.
ભારતની એવી કેટલીક મોટી ફાર્મા કંપનીઓ છે, જે તેમની મોટી નિકાસ અમેરિકામાં કરીને આવક મેળવે છે. ટ્રમ્પ તેનો આક્રમક મિજાજ બતાવતા રહી હવે ટેરિફનો હાઉ બતાવતા રહી સતત વિશ્વના ઘણા દેશોને ડિલ ટેબલ પર આવવા મજબૂર કરી રહ્યા છે. અમેરિકામાં ફાર્મા આયાત પર જો ૨૫% રેસિપ્રોકલ ડયૂટી લાગુ કરાશે તો તેનાથી ભારતના ફાર્મા ઉદ્યોગને ફટકો પડી શકે છે. ભારતના મોટાભાગના જેનેરિક દવા ઉત્પાદકો અમેરિકાને પોતાની સૌથી મોટી બજાર ગણાવી રહ્યા છે.
નાણાં વર્ષ ૨૦૨૪માં અમેરિકામાં ભારતની ફાર્મા નિકાસનો આંક ૮.૭૦ અબજ ડોલર અથવા તો ફાર્માની કુલ નિકાસના ૩૧% જેટલી રહી હતી એમ ફાર્માસ્યૂટિકલ્સ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સુત્રોએ જણાવ્યું હતું. અમેરિકાની બજારમાં ભારતના જેનેરિક દવાના નિકાસકારો ખર્ચાળ દવાનો સસ્તો વિકલ્પ પૂરો પાડે છે. એક અંદાજ પ્રમાણે ૨૦૨૨માં અમેરિકામાં લખાયેલા જેનેરિક પ્રીસ્ક્રિપ્સનમાંથી ૫૦% જેટલા પ્રિપ્ક્રિપ્સન ભારત દ્વારા પૂરા પડાયા હતા.
મૂડીઝ દ્વારા ભારતના આર્થિક વિકાસદરના અંદાજમાં ઘટાડો…!!
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કારણે ભારત સહિત અનેક દેશો મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે ઘણાં દેશો પર ટેરિફ લગાવવાની અને વધારવાની જાહેરાત કર્યા બાદ અનેક દેશોના અર્થતંત્ર સહિત શેરમાર્કેટ પણ ફટકો પડ્યો છે. મૂડીઝ એનાલિટિક્સ ના રિપોર્ટ મુજબ, અમેરિકાના નવા ટેરિફ અને વૈશ્વિક માંગમાં નરમાઈના કારણે ૨૦૨૫માં ભારતને પણ ફટકો પડવાનો છે. મૂડીઝે ભારતનો વિકાસ દર ૨૦૨૪માં ૬.૬%થી ઘટીને ૨૦૨૫માં ૬.૪% થઈ જશે. એજન્સીએ કહ્યું કે, નવા અમેરિકન ટેરિફ અને વૈશ્વિક માંગ ધીમી થવાથી નિકાસ પર અસર પડી રહી છે. મૂડીઝ એનાલિટિક્સે તેના રિપોર્ટ એશિયા-પેસિફિક આઉટલુકઃ ટર્બ્યુલન્સ અહેડમાં કહેવાયું છે કે, એશિયા-પેસિફિક ક્ષેત્રનો આર્થિક વિકાસ ૨૦૨૫માં ધીમો પડશે, કારણ કે વેપાર તણાવ, પોલિસીમાં ફેરફાર અને અસમાન સુધારા આ ક્ષેત્રને અસર કરશે. રિપોર્ટ મુજબ, નવા ટેરિફ અને વૈશ્વિક માંગમાં નરમાઈને કારણે નિકાસ પર અસર સમગ્ર પ્રદેશમાં વૃદ્ધિને ધીમી કરશે. મૂડીઝના અંદાજ મુજબ ચીનનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ વૃદ્ધિ દર ૨૦૨૪માં ૫%થી ઘટીને ૨૦૨૫માં ૪.૨% અને ૨૦૨૬માં ૩.૯% પર પહોંચશે. ભારતનો વિકાસ દર ૨૦૨૪ સુધીમાં ૬.૬% થી ઘટીને આગામી વર્ષોમાં ૬% જેટલો નીચો જઈ શકે છે. એશિયા-પેસિફિક માટેના તેના અનુમાન મુજબ, ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ બંને નાણાકીય વર્ષોમાં ભારતનો જીડીપી ૬.૪%ના દરે વધવાની ધારણા છે.
ટેરિફ વોરના અમલ પૂર્વે અમેરિકા ખાતેથી ક્રુડ ઓઈલની આયાતમાં વધારો…!!
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક સપ્તાહ પૂર્વે બેઠક યોજાઈ તે પહેલા જ ભારતે અમેરિકા સાથેના વેપાર સંબંધોને નવો વળાંક આપી દીધાનું જોવા મળી રહ્યું છે. અમેરિકા દ્વારા જાહેર કરાયેલી ટેરિફ વોરના અમલ પૂર્વ જ તેની અસર સામેથી રક્ષણ મેળવવા ભારતે આ આયાત વધારી હોવાનું માનવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકાના નવા પ્રમુખ તરીકેની વરણી થતાં જ વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં અમેરિકા ખાતેથી ભારતની ક્રુડ તેલની આયાત ડિસેમ્બરની સરખામણીએ ત્રણ ગણી જેટલી વધી ગઈ હતી. ડિસેમ્બર, ૨૦૨૪માં પ્રતિ દિન ૭૦૬૦૦ બેરલની સામે જાન્યુઆરીમાં ભારતે અમેરિકા ખાતેથી ક્રુડ તેલની પ્રતિ દિન ૨૧૮૪૦૦ બેરલ આયાત કરી હતી. આયાતમાં વધારા સાથે અમેરિકા ભારતનું ટોચનું પાંચમું ક્રુડ તેલ પૂરવઠેદાર બન્યું છે, એમ સરકારી ડેટા જણાવે છે. ૨૦૨૪માં અમેરિકા ખાતેથી ભારતે ૧૫ અબજ ડોલરના ક્રુડ તેલની ખરીદી કરી હતી જે વર્તમાન વર્ષમાં વધારી ૨૫ અબજ ડોલર કરવા ભારતે ટાર્ગેટ રાખ્યો છે. વિશ્વમાં ભારત ક્રુડ તેલનો ત્રીજો મોટો આયાતકાર દેશ છે. સરકારના ડેટા પ્રમાણે ગયા મહિને રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલ આયાત ૪.૩૦ ટકા વધી પ્રતિ દિન ૧૫.૮૦ લાખ બેરલ રહી હતી. રશિયા હજુપણ ભારતનું ટોચનું પૂરવઠેદાર રહ્યું છે. અમેરિકાના પ્રતિબંધોને ધ્યાનમાં રાખતા આવનારા મહિનાઓમાં રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલની આયાતમાં ઘટાડો થવા સંભવ છે, કારણ કે ભારતની રિફાઈનરીઓ રશિયાની એવી કંપનીઓ પાસેથી ખરીદી કરશે જેના પર અમેરિકાના પ્રતિબંધ નથી, એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. અમેરિકા દ્વારા રશિયાના ક્રુડ તેલની નિકાસ પર લાગુ કરાયેલા પ્રતિબંધોને કારણે રશિયાના સસ્તા તેલ મેળવતા દેશોએ પોતાના ક્રુડ તેલની જરૂરિયાતને પહોંચી વળવા નવા પૂરવઠેદારોની શોધ કરવાની ફરજ પડી છે.રશિયા બાદ ઈરાક ભારતને ક્રુડ તેલનો બીજો મોટો પૂરવઠેદાર દેશ રહ્યો છે.