વચગાળાની સરકારમાંથી રોજ કોઈ વ્યકિત ઉભું થઈને દરેક વસ્તુ માટે ભારતને દોષી ન ઠેરવી શકે : વિદેશમંત્રી
New Delhi, તા.૨૪
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારનું પતન અને મોહમ્મદ યૂનુસના સત્તામાં આવ્યા બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સબંધોમાં તણાવ આવી ગયો છે. હિન્દુઓ વિરુદ્ધ થતી હિંસા પર ભારત અવાજ ઉઠાવી રહ્યો છે. બીજી તરફ બાંગ્લાદેશની વચગાળાની સરકાર ભારત સાથેના સંબંધોને વધુ ખરાબ કરવામાં કોઈ કસર નથી છોડી રહી.
તાજેતરમાં જ ઓમાનમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે બાંગ્લાદેશના વિદેશી બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈન સાથે મુલાકાત કરી હતી. પરંતુ બાંગ્લાદેશ સુધરવાનું નામ નથી લઈ રહ્યું. મુલાકાતના લગભગ એક અઢવાડિયા બાદ વિદેશમંત્રી જયશંકરે બાંગ્લાદેશના શત્રુતાપૂર્ણ વ્યવહારનો મુદ્દો ઉઠાવ્યો છે.
વિદેશ મંત્રી જયશંકરે બાંગ્લાદેશને અલ્ટીમેટમ આપતા કહ્યું કે, હવે તમે જ નક્કી કરો કે તમે અમારી સાથે કેવા સબંધ ઈચ્છો છે? બાંગ્લાદેશ સાથે આપણો લાંબો અને ખૂબ જ ખાસ ઈતિહાસ ૧૯૭૧થી ચાલતો આવ્યો છે. બાંગ્લાદેશ એક તરફ કહે છે કે અમે ભારત સાથે સારા સબંધ ઈચ્છીએ છીએ અને બીજી તરફ બાંગ્લાદેશની અંદર થનારી દરેક ઘટના માટે ભારતને જવાબદાર ઠેરવે છે.
વિદેશમંત્રીએ આગળ કહ્યું કે, વચગાળાની સરકારમાંથી રોજ કોઈ વ્યકિત ઉભું થઈને દરેક વસ્તુ માટે ભારતને દોષી ન ઠેરવી શકે. આ સંદર્ભમાં બાંગ્લાદેશે નિર્ણય લેવો પડશે. જો તમે રિપોર્ટ જુઓ તો ઘણી બધી વાતો અત્યંત હાસ્યાસ્પદ છે.
વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે, દ્વિપક્ષીય સંબંધોમાં સમસ્યાઓ પાછળ બે પાસાં છે. પહેલું પાસુ લઘુમતીઓ સામે સાંપ્રદાયિક હિંસા છે.
બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાનું પૂર આવ્યું છે. તેનો અમારા વિચાર પર ચોક્કસ પ્રભાવ પડ્યો છે. આ એક એવો મુદ્દો છે જેના વિશે આપણે વાત કરવી જોઈએ. અમે આ કર્યું. બીજું પાસુ બાંગ્લાદેશની રાજનીતિ છે. હવે તમે નક્કી કરો કે તમે અમારી સાથે કેવા સબંધ ઈચ્છો છો?

