ડીએનએ રિપોર્ટ નેગેટીવ હોય ત્યારે અન્ય વ્યક્તિના નામ ફરિયાદમાં હોવા છતાં તપાસ ન કરી હોવાથી ઇન્કવાયરીનો આદેશ
Bhayavadar,તા.26
ભાયાવદર પોલીસ મથક વિસ્તારની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવવાનો કેસ ચાલી જતાં ધોરાજીની અદાલતે માધવ ડાયા વાઘેલાને 20 વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ ભાયાવદર પોલીસ મથક વિસ્તારની 14 વર્ષની સગીરા ને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવ્યા અંગેની પીડીતાના ભાભીએ ભાયાવદર માધવ ડાયા વાઘેલા સામે ફરિયાદ નોંધાવતા તત્કાલીન પીએસઆઇ આર.વી. ભીમાણીએ દુષ્કર્મ અને પોકશો ની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.બાદ તપાસ પૂર્ણ થતા તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જ સીટ રજૂ કરવામાં આવ્યું હતું.ધોરાજીની કોર્ટ સમક્ષ કેસ ચાલવા પર આવતા આરોપી તરફે બચાવ ગર્ભ રહેલો હતો તેના કુદરતી પિતા આરોપી માધવ ડાયા ન હોવાનું એફએસએલ પૃથક્કરણમાં માલુમ પડેલ હતું. અને આવા સંજોગોમાં આરોપી સામે ગુનો પુરવાર માની શકાય નહીં. હાઇકોર્ટના પ્રસ્થાપિત કરેલા સિદ્ધાંત પ્રમાણે જ્યારે ડીએનએ નેગેટિવ આવેલ હોય ત્યારે આરોપીને તકસીરવાન ઠરાવવા જોઈએ નહી દલીલો કરેલી હતી.સરકાર પક્ષે એડવોકેટ કાર્તિકેય પારેખ એ દલીલ કરેલી હતી ભોગ બનનાર ની ઉંમર 14 વર્ષ છે.ભોગ બનનારને ગર્ભવતી બનાવી દીધેલી છે, ફરિયાદ કરતા પહેલા પણ ભોગ બનનારે આરોપીને વિનંતી કરેલી હતી કે મને ગર્ભ નિરોધક ગોળીઓ અપાવે જેથી કરીને જે ગર્ભ રહી ગયેલ છે તે પડી જાય પરંતુ આરોપીએ અપાવેલ નહીં. બાદ ગુનો નોંધાયેલ હતો. એકથી વધારે વખત શરીર સંબંધનો કિસ્સો છે.ભોગ બનનારએ અદાલત સમક્ષ અને નીચેની કોર્ટના કલમ 164 ના નિવેદન મુજબ પણ ભોગ બનનાર સાથે દુષ્કર્મ થયેલ હોવાનું જણાવેલ છે ત્યારે તેનાથી વધારે વિશ્વસનીય પુરાવો અન્ય કોઈ ગણી શકાય નહીં. આરોપીને તકસીરવાન ઠરાવવો જોઈએ.
બંને પક્ષની દલીલો સાંભળી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલા શેખએ આરોપી માધવ ડાયા વાઘેલાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષની સજા તથા દંડ ફટકારેલો છે.
તેમજ ડીએનએ રિપોર્ટ નેગેટીવ આવે, ત્યારે પોક્સો જેવા ગંભીર ગુન્હામાં અન્ય વ્યક્તિના નામ ફરિયાદમાં જણાવેલ જીગો નાનજીભાઈ સોલંકી અને સમીર સુમારભાઈ જુણેજા વિરુદ્ધ શા માટે તપાસ ન કરી તે અંગે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીનો આદેશ કરેલો છે.