Limbdi,તા.01
લીંબડીના રળોળ ગામે શુક્રવારે મોડી સાંજે પીકઅપ વાનમાંથી ડીઝલના કેરબા ઉતારતી વખતે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના ત્રણ મકાનોમાં આગ પ્રસરી હતી. આ આગમાં બાળક સહિત ત્રણ લોકોના ભડથું થઇ ગયા હતા જ્યારે બે વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે આગની ઘટનામાં મૃત્યુંઆંક વધવાની શક્યતા સેવાઇ રહી છે.ઘટનાને પગલે લીંબડી અને સુરેન્દ્રનગરની ફાયર બ્રિગેડની દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાના સ્થળની આસપાસના રહીશોમાં ભયનો માહોલ છવાયો હતો. લીંબડી તાલુકાના રળોલ ગામમાં આવેલી મસ્જિદ નજીક ફાતુબેન હાસમભાઈ ટીંબલીયાના મકાનની નજીક ઉભી રહેલી પિકઅપ વાનમાંથી ડીઝલના કેરબા ઉતારવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન અગમ્ય કારણોસર આગ ભભૂકી હોવાની આશંકા સેવાઈ રહી છે. ડીઝલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બાજુમાં રહેલા બેથી ત્રણ ઘર ઝપેટમાં આવી ગયું હતુ.
આ ઘટનામાં એક બાળક સહિત ૩ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આ ઘટનાની જાણ થતાં લીંબડી અને સુરેન્દ્રનગર પાલિકાના બ્રિગેડ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી. આગ એટલી બધી ભયંકર લાગી હતી કે બેથી ત્રણ કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. રહેણાંક મકાનમાં શોધખોળ કરતાં એક બાળક સહિત ત્રણ મૃતકોની ડેડબોડીને બહાર કાઢીને પીએમ લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બીજી તરફ આગને પગલે ગામમાં અંધારપટ છવાઇ ગયો હતો. રહેણાંક મકાનમાં આગ લાગતાં આસપાસના વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.