Mumbai,તા.1
ભારતીય શેરબજારમાં મંદીએ હાહાકાર સર્જયો છે 28 વર્ષ પછી પ્રથમ વખત સળંગ પાંચ મહિનાની મંદી જોવા મળી છે અને તેમાં રોકાણકારોનાં 95 લાખ કરોડ ધોવાઈ ગયા છે. આ સમયગાળામાં સેન્સેકસ તેના સર્વોચ્ચ સ્તરેથી 17 ટકા તથા નિફટી 18 ટકા નીચે આવી ગયા છે.
શેરબજારમાં સપ્ટેમ્બર 2024 માં સેન્સેકસ તથા નિફટીએ સર્વોચ્ચ ઉંચાઈ બનાવી હતી તે પછી ચાલુ થયેલો મંદીનો રેલો સતત પાંચમા મહિને પણ યથાવત હતો.ફેબ્રુઆરીમાં પણ માર્કેટમાં જ મંદી જ થઈ હતી.
રેકોર્ડ સ્તરેથી સેન્સેકસ 17.45 ટકા તૂટીને 73198.10 તથા નિફટી 18.70 ટકા તૂટીને 22124.70 ના સ્તરે આવી ગયા છે. આ સમયગાળામાં ઈન્વેસ્ટરોની 95 લાખ કરોડની શેરમૂડીનું ધોવાણ થયુ છે.
શેરબજારની તેજી દરમ્યાન સરકારી કંપનીઓનાં શેરોએ અભૂતપૂર્વ તેજી સુચવી હતી. હવે મંદીમાં આ ક્ષેત્રની કંપનીઓનાં શેરો જ નિશાન બન્યા હોય તેમ 25 લાખ કરોડની શેરમુડીનું ધોવાણ આ ક્ષેત્રનાં શેરોમાં જ થયુ હતું.
નિફટી પીએસઈ ઈન્ડેકસ ઓગસ્ટ 2024 થી અત્યાર સુધીમાં 32 ટકા ગબડી ચુકયો છે. આટલા મોટા ઘટાડાથી એ સાબીત થયુ છે કે વેચવાલીના મારાથી મંદીમાંથી કોઈપણ ક્ષેત્રનાં શેરો બાકાત રહી શકયા નથી.
ફેબ્રુઆરી મહિનાને લાગેવળગે છે ત્યાં સુધી સેન્સેકસ 5.5 ટકા અર્થાત 4300 પોઈન્ટથી વધુ તૂટયો ગયો છે.મીડકેપ નિફટીમાં 11 ટકાનો કડાકો હતો જે માર્ચ 2020 પછીના પાંચ વર્ષોને સૌથી મોટો માસીક કડાકો હતો. માર્ચ 2020 માં નિફટી મીડકેપ 30 ટકા ગગડયો હતો.
મીડકેપ શેરોમાં ચાલુ કેલેન્ડર વર્ષના અત્યાર સુધીના બે મહિનામાં 17 ટકાનો ઘટાડો થયો છે. સતત ઘટાડો છતા હજુ ઘણા મીડકેપ શેરોનું છે.વેલ્યુએશન ઉંચુ જ છે. એટલે આપતા દિવસોમાં વધુ ઘટાડાને અવકાશ હોવાનું નિષ્ણાંતોનું કથન છે.
શેરબજારનાં વર્તમાન કડાકા પાછળનું મુખ્ય કારણ અમેરિકાનું ટ્રેડવોર જ ગણવામાં આવે છે મેકસીકો, કેનેડા, ચીન અને હજુ અનેક દેશોએ અમેરિકી ટેરીફનો સામનો કરવો પડશે અને વિશ્ર્વ વ્યાપાર પર તેના વિપરીત પ્રત્યાઘાતો પડવાની આશંકાથી માર્કેટનુ મોરલ ડાઉન થઈ ગયુ છે.
આ સિવાય વિદેશી નાણા સંસ્થાઓની સતત વેચવાલી આર્થિક વૃધ્ધિદર સામે આશંકા, મંદીને કારણે મ્યુચ્યુઅલ ફંડોની એનઓપીમાં ધોવાણ તથા કરન્સી માર્કેટમાં અમેરિકી ડોલર સામે તૂટતો રૂપિયો જેવા કારણો જ પણ મંદી માટે જવાબદાર છે.
શેરબજારમાં ઈન્વેસ્ટરો હવે શુ થશે?ની અટકળો બાંધી રહ્યા છે.ત્યારે કેટલાક નિષ્ણાતો એવો સુર દર્શાવે છે કે લાર્જકેપ શેરોમાં તો લગભગ બોટમ આવી ગયુ છે. અથવા બોટમની નજીક પહોંચી ગયા છે.મોટા શેરોમાં વેલ્યુએશન આકર્ષક બનવા લાગ્યુ છે.
હજુ થોડા વધુ ઘટાડાનો ઈન્કાર થઈ શકતો નથી છતાં લાંબા ગાળાનાં રોકાણની ગણતરીએ તબકકાવાર ખરીદી કરી શકાય. જોકે મીડકેપ-સ્મોલકેપ શેરોમાં હજુ પ્રવેશવાનો યોગ્ય સમય નથી.