આઈ.સી.સી. ટ્રોફીના મેચમાં ભારતના ૨૪૯ સામે ન્યુઝીલેન્ડની ટીમ ૨૦૫ રનમાં આઉટ
વિલિયમસનના ૮૧ રન એળે ગયા : વરૂણ ચક્રવર્તિના સ્પિન અને હાથનો જાદુ ચાલ્યો
Dubai, તા.૨
દુબઈ ખાતે ભારત અને ન્યુઝિલેન્ડની ક્રિકેટટીમ વચ્ચે આઈ.સી.સી. સ્પર્ધાના રમાયેલ મહત્વના મેચમાં ભારતની પ્રથમ હરોળના બેટધરોની ઘોર નિષ્ફળતા બાદ મઘ્યમક્રમના ખેલાડીઓ તેમજ ઓલરાઉન્ડરો દ્વારા દાખવાયેલ સંભાળ પૂર્વકની રમતના અંતે ૫૦ ઓવરમાં ભારતે ૯ વિકેટ ગુમાવી ૨૪૯ રન નોંધાવેલ જ્યારે ૨૫૦ રનના લક્ષ્યાંક સુધી પહોચવાનો પ્રયાસ કરતા ન્યુઝિલેન્ડની સમગ્ર ટીમે ૪૫.૩ ઓવરમાં ૨૦૫ રન નોંધાવતા પ્રથમસ્થાન ધરાવતી ઓસ્ટ્રેલિયાની ટીમ સામે સેમીફાઈનલ મેચમાં ટકરાશે. વરૂણ ચક્રવર્તિને મેન ઓફ ધ મેચનું ઈનામ અર્પણ કરાયેલ.
ભારતે દાવનો પ્રારંભ કરતા પ્રથમ હરોળના મુખ્ય ત્રણ ધુરંધર મનાતા ખેલાડીઓ કંઈ ઉકાળી શકયા ન હતા પરંતુ માત્ર ૩૦ રનમાં પ્રથમ ૩ વિકેટ ગુમાવ્યા બાદ મઘ્યમક્રમના બેટધરો તેમજ ઓલરાઉન્ડર ખેલાડીઓના એકંદરે સારા પ્રદર્શનથી ભારતે ૫૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવી ૨૪૯ રન નોંધાવેલ હતા.
ભારત તરફથી મઘ્યમક્રમમાં શ્રેયસ ઐયરે સૌથી વધુ ૭૯, અક્ષર પટેલે ૪૨, કે.એલ.રાહુલે ૨૩, હાર્દિક પંડયાએ ૪૫ અને રવિન્દ્ર જાડેજાએ ૧૫ રન નોંધાવેલ જેના કારણે ભારતીય ટીમનો રકાસ અટકયો હતો. ન્યુઝીલેન્ડ તરફથી હેનરીએ ૮ ઓવરમાં ૪૨ રન આપી ભારતની ૫ વિકેટ ઝડપી હતી.
વિજયના લક્ષ્યાંક સુધી પહોચવાનો પ્રયાસ કરતી ન્યુઝીલેન્ડની ટીમના એકદરે સારો પ્રારંભ થયેલ પરંતુ ૯૩ રનના જુમલે ૩જી વિકેટના પતન બાદ ભારતીય ટીમે મેચ પર પકકડ જમાવી હતી. જેમાં સમગ્ર ટીમ ૪૫.૩ ઓવરમાં ૨૦૫ રનના જુમલે આઉટ થઈ જવા પામેલ. ન્યુઝીલેન્ડ તરફથી વિલિયમ્સને સૌથી વધુ ૮૧ રન નોંધાવેલ જ્યારે યંગ ૨૨, સેંટનર ૨૮, ચિમેલ ૧૭ તેમજ ફિલીપ્સના ૧૨ રન મુખ્ય હતા.
ન્યુઝીલેન્ડના દાવમાં ભારત તરફથી વરૂણ ચક્રવર્તિ સૌથી વધુ સફળ બોલર સાબિત થયેલ તેમણે ૧૦ ઓવરમાં ૪૨ રન આપી ન્યુઝીલેન્ડના પાંચ બેટધરોને પેવેલિયન તરફ રવાના કરેલ. કુલદિપ યાદવે ૯.૩ ઓવરમાં ૫૬ રનમાં ૨ વિકેટ ઝડપેલ હતી.