Gandhinagar,તા.૭
આજે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા એ સેમી કંડક્ટર પ્લાન્ટ સ્થાપવાની કાર્યવાહી અંગે કરેલ પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ૧ લાખ ૩૪ હજાર ૯૩૩ કરોડ રૂપિયાના મુડી રોકાણ સાથે ચાર પ્લાન્ટનું કામ અત્યારે પ્રગતિમાં છે. આ અંગે માહિતી આપતા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને સેમી કંડક્ટરનું હબ બનાવવાનો સંકલ્પ કરેલ છે, જે અંતર્ગત સેમી કંડક્ટરના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા ૭૫ હજાર કરોડનું પેકેજ જાહેર કરેલ છે, જેના કારણે આજે દેશમાં કુલ પાંચ સેમી કંડક્ટર પ્લાન્ટ બનવા જઈ રહ્યા છે. દેશમાં ગુજરાત સેમી કંડક્ટર હબ બને તે માટે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સેમી કંડક્ટર પોલીસી તૈયાર કરી છે, જેના કારણે દેશના પાંચ સેમી કંડક્ટર પ્લાન્ટમાંથી ચાર પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત થવા જઈ રહ્યા છે, જે પૈકી ત્રણ પ્લાન્ટ સાણંદ જીઆઈડીસી ખાતે બનવા જઈ રહ્યા છે. જ્યારે એક પ્લાન્ટ ધોલેરા ખાતે તૈયાર થઈ રહ્યો છે.
અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે સાણંદ જીઆઈડીસી ખાતે જે ત્રણ સેમી કંડક્ટર પ્લાન્ટ તૈયાર થઈ રહ્યા છે તેમાં માઈક્રોન ટેકનોલોજી રૂપિયા ૨૨૫૧૬ કરોડના મુડી રોકાણ સાથે પ્લાન્ટ સ્થાપી રહી છે. બીજો પ્લાન્ટ સી.જી. સેમી પ્રા.લી. રૂપિયા ૭૫૮૪ કરોડના મુડી રોકાણ સાથે સ્થાપી રહી છે. કેયન્સ સેમી પ્રા.લી. દ્વારા રૂપિયા ૩૩૦૭ કરોડના મુડી રોકાણ સાથે તૈયાર કરવામાં આવી રહેલ પ્લાન્ટનું કામ પ્રગતિમાં છે. આ ઉપરાંત એક પ્લાન્ટ ધોલેરા જીઆઈડીસી ખાતે બનવા જઈ રહ્યો છે. દેશનો સૌથી મોટો એવો આ પ્લાન્ટ ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રા.લી. કંપની રૂપિયા ૯૧૫૨૬ કરોડ રૂપિયાના મુડી રોકાણ સાથે સ્થાપી રહી છે. આમ ગુજરાતમાં ૧ લાખ ૩૪ હજાર ૯૩૩ કરોડ રૂપિયાના મુડી રોકાણ સાથે આ ચાર પ્લાન્ટ સ્થપાવા જઈ રહ્યા છે.
અર્જુન મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યુ હતું કે માઈક્રોન સેમી કંડક્ટર ટેકનોલોજી ઈન્ડિયા પ્રાઈવેટ લી.ના મિની પાયોનિયર પ્રોજેક્ટ અંતર્ગત સેમી કંડક્ટ પ્લાન્ટ ખાતે ઉત્પાદન ૨૩ એપ્રિલ ૨૦૨૪ થી શરૂ થયેલ છે, તથા મેઈન પાયોનિયર પ્રોજેક્ટ અંતર્ગત સેમી કંડક્ટર પ્લાન્ટનું અંદાજીત ઉત્પાદન કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના ચોથા ક્વાર્ટરમાં શરૂ થનાર છે. જ્યારે સીજી સેમી પ્રા.લી. ના મિની પ્રોજેક્ટ અંતર્ગત સેમી કંડક્ટર પ્લાન્ટનું અંદાજીત ઉપ્તાદન ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ તથા મેઈન પ્રોજેક્ટ અંતર્ગત સેમી કંડક્ટર પ્લાન્ટનું અંદાજીત ઉપ્તાદન ૩૧ ઓક્ટોબર ૨૦૨૭ સુધીમાં શરૂ થનાર છે. આ ઉપરાંત કેયન્સ સેમી પ્રા. લી. કંપનીના સેમી કંડક્ટર પ્લાન્ટનું અંદાજીત ઉત્પાદન કેલેન્ડર વર્ષ ૨૦૨૫ ના ચોથા ક્વાર્ટર અથવા વર્ષ ૨૦૨૬ના પ્રથમ કવાર્ટરમાં શરૂ થનાર છે. જ્યારે ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રા. લી. કંપનીના સેમી કંડક્ટર પ્લાન્ટનું અંદાજીત વર્ષ ૨૦૨૭-૨૮ ના બીજા ક્વાર્ટર સુધીમાં શરૂ થનાર છે. આ ચાર પ્લાન્ટ સાથે ગુજરાત દુનિયામાં સૌથી વધુ સેમી કંડક્ટરનું ઉત્પાદન કરતો વિસ્તાર બનશે. આ રીતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાત સમગ્ર વિશ્વમાં સેમી કંડક્ટરનું હબ બનવા જઈ રહ્યું છે.
ગુજરાતમાં તૈયાર થઈ રહેલ સેમી કંડક્ટર પ્લાન્ટ
સાણંદઃ માઈક્રોન ટેકનોલોજી (૨૨૫૧૬ કરોડ મુડી રોકાણ),સીજી સેમી પ્રા.લી. (૭૫૮૪ કરોડ મુડી રોકાણ),કેયન્સ સેમી પ્રા.લી. (૩૩૦૭ કરોડ મુડી રોકાણ)
ધોલેરાઃ ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રા. લી. (૯૧૫૨૬ કરોડ મુડી રોકાણ)