Dubai,તા.10
ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે મ્હાત આપી ટ્રોફી જીતી છે. 12 વર્ષ બાદ ફરી ભારતે ફરી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે, અગાઉ એમ એસ ધોનીની આગેવાનીમાં 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી કુલ ત્રણ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચૂકી છે. ભારતીય ક્રિકેટ ટીમની જીત બાદ સ્ટેડિયમ અને સ્ટેડિયમની બહાર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ બેટર સુનીલ ગાવસ્કરનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ટીમ ઈન્ડિયાની જીતથી સુનીલ ગાવસ્કર ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. તેઓ નાના બાળકની જેમ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. મેચ બાદ મેદાન પર કોમેન્ટ્રી કરી રહેલા ગાવસ્કર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આવો ઉત્સાહ 75 વર્ષની ઉંમરે ભાગ્યે જ જોવા મળે છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ આ મેચ 4 વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની ટીમે 7 વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી હતી. રોહિત શર્મા પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો અને તેણે 76 રનની ઇનિંગ રમી હતી.
જીત સાથે જ ન્યૂઝીલેન્ડ સાથેનો ભારતનો 25 વર્ષ જૂનો હિસાબ બરાબર થયો. વર્ષ 2000માં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને મ્હાત આપી હતી. તે મેચમાં ભારતના કેપ્ટન સૌરવ ગાંગુલીએ 117 રન ફટકાર્યા હતા.
આ જીત સાથે ભારતીય ટીમે તેનું સાતમું ICC ટાઇટલ જીત્યું અને આઠ ટીમોની આ ટુર્નામેન્ટમાં ત્રીજી વિજય નોંધાવી. ભારત લાંબા સમયથી વિશ્વ ક્રિકેટમાં પ્રબળ ટીમોમાંની એક રહી છે અને સતત નોકઆઉટ તબક્કામાં પહોંચ્યું છે. ભારતીય ટીમ 2003 અને 2023 ODI વર્લ્ડ કપ, 2017 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2019-21 અને 2021-23 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી હતી.