Surat,તા.11
સુરત સહિત ગુજરાતમાં આકરી ગરમીના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ રેડ એલર્ટના કારણે સરકારે લોકોને બિનજરૂરી ઘર બહાર નીકળવા ના પાડી દીધી છે. તો બીજી તરફ શિક્ષણ સમિતિએ 8 માર્ચના રોજ મહિલા દિવસ પુરો થઈ ઘયો હોવા છતાં આજે મહિલા દિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું. શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટની બુમ છે ક્લાસ રૂમમાં શિક્ષકો ઓછા છે તેની વચ્ચે તમામ શાળાના એક એક શિક્ષકોને હાજર રાખવા માટે સુચના આપવામા આવી હતી. આ ઉપરાંત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પણ હાજર રખાયા હતા. કાર્યક્રમ સવારે હતો પરંતુ પૂરો થયો ત્યારે બહાર કાળઝાળ ગરમી હતી અને એસીમાંથી બહાર નિકળેલા શિક્ષકો-વિદ્યાર્થીઓની હાલત કફોડી થઈ ગઈ હતી.
સુરત સહિત સમગ્ર દેશમાં 8 માર્ચના દિવસે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે સુરત શિક્ષણ સમિતિમાં પણ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ સમિતિ ભુલી ગઈ હોય મહિલા દિવસના ત્રણ દિવસ બાદ મહિલા દિવસની ઉજવણી કરી હતી. આ માટે ગઈકાલે એક પરિપત્ર બહાર પાડવામા આવ્યો હતો જેમાં તમામ શાળાના એક મહિલા શિક્ષકને આ કાર્યક્રમમાં હાજર રાખવા માટે તાકીદ કરવામાં આવી હતી. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પાલિકાના સરદાર સ્મૃતિ ભવનમાં શિક્ષણ સમિતિ દ્વારા મહિલા દિવસ અંતર્ગત આજે નાટ્ય નિર્દેશન કરવામાં આવ્યું હતું. જોકે, આજે રેડ એલર્ટ છે તેની આગાહી બે દિવસ પહેલાં જ કરી દેવામાં આવી હોવા છતાં શિક્ષણ સમિતિએ નેતાઓને ખુશ કરવા માટે આ રેડ એલર્ટમાં કાર્યક્રમનું આયોજન કરી દીધું હતું. હાલમાં શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટ છે અને ઘણાં શિક્ષકો રજા પર રહે છે તેથી દરેક શાળામાંથી એક મહિલા શિક્ષકને કાર્યક્રમમાં મોકલવા સાથે આયોજન માટે પણ 50 થી વધુ શિક્ષકો શાળામાંથી બહાર હતા. જેના કારણે અનેક વર્ગખંડ ખાલી જેવા દેખાતા હતા. આટલું ઓછું હોય તેમ આ રેડ એલર્ટની ગરમીમાં કેટલીક શાળાઓની વિદ્યાર્થીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. સવારે કાર્યક્રમ શરૂ થયો હતો અને બપોરે કાર્યક્રમ પુરો થાય ત્યાં સુધીમાં તો રેડ એલર્ટનો પ્રકોપ શરુ થઈ ગયો હતો અને આકાશમાં ભારે ગરમી પડી રહી હતી. એસી.માં બેઠેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો બહાર નીકળતા સાથે ગરમીમાં અકળાઈ ગયા હતા. જોકે, શિક્ષણ સમિતિએ નેતાઓને ખુશ કરવા માટે મહિલા દિવસ વિતી ગયા બાદ પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેના કારણે શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષણ પર અસર પડવા સાથે રેડ એલર્ટમાં વિદ્યાર્થીઓને બહાર નિકળવા માટે પણ વિવાદ ઉભો થયો છે.