Washington,તા.17
અમેરિકામાં કાયમી વસવાટ માટે એક સમયે લોટરી લાગવાથી પણ વધુ ‘લકી’ ગણાતું ગ્રીનકાર્ડ આજે ભારતીય સહિત લાખો વિદેશીઓ માટે જેઓ આ ગ્રીનકાર્ડ હોલ્ડર છે એટલે કે અમેરિકામાં કાયમી વસવાટ-નોકરી ધંધા કરવાનો હકક ધરાવે છે. તેઓ માટે ચિંતાનું કારણ બની ગયુ છે.
હાલમાં જ અમેરિકાના વાઈસ પ્રેસીડેન્ટ- જે.ડી.વાન્સે એક મુલાકાતમાં ગ્રીનકાર્ડ હોવું એ અમેરિકામાં કાયમી વસવાટનો પરવાનો નથી અને તે ગમે તે ઘડીએ રદ કરી શકાય છે. તે વિધાનો કર્યા તે પુર્વે જ ટ્રમ્પ શાસને ગ્રીનકાર્ડ હોલ્ડર્સને પણ હવે અમેરિકામાં વસવાનું મુશ્કેલ બને તેવી સ્થિતિ બનાવવાનું શરૂ કર્યુ છે.
ખાસ કરીને આ ગ્રીનકાર્ડ હોલ્ડર વિદેશ કે સ્વદેશની સફર કરીને પરત અમેરિકા પરત આવી રહ્યા છે. તેઓને એરપોર્ટ પર જ હવે તેના આ ગ્રીન કાર્ડ સરન્ડર કરવા ઈમીગ્રેશન અધિકારીઓ દબાણ લાવી રહ્યા છે.
ખાસ કરીને વર્ષોથી અમેરિકામાં રહીને જેઓ સ્થાયી થઈ ગયા છે તેવા સીનીયર સીટીઝન કક્ષાના ભારતીય ગ્રીનકાર્ડ હોલ્ડરને અમેરિકામાં પરત આવતા સમયે એરપોર્ટ પર આ પ્રકારના દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગેના એક અહેવાલ પરથી અહીના ભારતીય સમુદાય માટે નવી ચિંતા સર્જાઈ છે.
એક એટર્નીના જણાવ્યા મુજબ એરપોર્ટ પર અનેક સિનીયર સીટીઝન ઈમીગ્રેશન અધિકારીની ધમકીનો ભોગ બન્યા છે. તેઓ જો ગ્રીનકાર્ડ સરન્ડર ન કરે તો અટકાયતમાં ભાગ લેવા અથવા તો પરત મોકલી આપવાની ધમકી પણ આપવામાં આવી રહી છે.
વાસ્તવમાં ગ્રીનકાર્ડ એ અમેરિકામાં પ્રવેશનો ‘પીળો પરવાનો’ છે અને તેની ઈમીગ્રેશન નિષ્ણાંતો સ્પષ્ટ કરે છે કે, ચોકકસ સ્થિતિમાંજ આ ગ્રીનકાર્ડ રીવોક એટલે કે રદ કરી શકાય છે. જેમાં 180 દિવસ અમેરિકાની બહાર રહેવું ચોકકસ પ્રકારની ગુન્હાહિત કે તેવી પ્રવૃતિઓ ખુબજ ગંભીર રીતે સંડોવણીને કારણ ગણાય છે. 180 દિવસ સુધી અમેરિકામાં બહાર રહેવું એ પણ રી-એડમીશન પ્રક્રિયા છે.
સામાન્ય રીતે તેને વધુ ગંભીરતાથી લેવામાં આવતી નથી. 365 દિવસ કે તેની વધુ સમય જો તે દેશ બહાર રહ્યા હોય તો તેના માટે ચકાસણી જરૂરી છે. પરંતુ ઈમીગ્રેશન નિષ્ણાંતો કહે છે કે જો તમો ખુદ ઈચ્છતા ના હો તો કોઈપણ દબાણ હેઠળ ગ્રીનકાર્ડ સરન્ડર કરતા નહી.
એરપોર્ટના કે અન્ય રીતે અમેરિકામાં પ્રવેશનાકા પર તૈનાત ઈમીગ્રેશનના કોઈપણ અધિકારીને ગ્રીનકાર્ડ રીવોક કરવા કે તેનો પ્રવેશનો ઈન્કાર કરવાનો અધિકાર અમેરિકી કાનૂન પણ આપતો નથી અને તેથી અમેરિકામાં એન્ટ્રી કે અન્ય કોઈ સમયે ગ્રીનકાર્ડ ધારકે કોઈ સરન્ડર ફોર્મ ભરવુ નહી તે નિષ્ણાંતો સલાહ આપે છે.
આ માટેનું ફોર્મ 1-407 તમારી પાસે ભરાવે તો પણ તે ભરવું નહીં. જો ગ્રીનકાર્ડ હોલ્ડર 365 કે તેથી વધુ દિવસ અમેરિકા બહાર રહ્યા હોય તો તેઓ પોતાનું ગ્રીનકાર્ડ સ્ટેટસ પડતુ મુકવા માંગે છે તે નિશ્ચિત કરી શકાય છે. પરંતુ તેમ છતાં પણ ગ્રીનકાર્ડ હોલ્ડર તેના સ્ટેટસને જાળવી રાખવા માંગતા હોય તો તે અમેરિકી અદાલતમાં જઈ શકે છે પણ જો એરપોર્ટ કે અન્ય સ્થળે સ્વેચ્છાએ આ સ્ટેટસ સરન્ડર કરે તો તેને અધિકાર રહેશે નહી.
કોર્ટ ગ્રીનકાર્ડ ધારકનું કાર્ડ રદ કરવું કે કેમ તે ફકત ઈમીગ્રેશન જજ નિર્ણય લઈ શકે છે. નિષ્ણાંતો કહે છે કે, ઈમીગ્રેશન અધિકારીઓની ધમકી અને ખરાબ વ્યવહારનો સામનો કરવો જરૂરી છે.