Maharastra, તા.18
મહારાષ્ટ્રમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જો કે ચૂંટણીને હજુ ઘણા મહિના બાકી છે તે પહેલા જ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar)ને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. અને રાજકીય પાવર પણ ઓછો થઈ રહ્યો છે. અગાઉ ચાર નેતાઓ અજિત પવારની પાર્ટી છોડી હતી, ત્યારે હવે અહેવાલ મળી રહ્યા છે કે બુધવારે (17 જુલાઈ) 25 નેતાઓએ એકસાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે (NCP) સાથે છેડો ફાડી નાખ્યો હતો. આ તમામ નેતાઓ પિંપરી-ચિંચવડના છે, જેમાં અજીત ગવાને (Ajit Gavane)નું નામ પણ સામેલ છે. એવી અટકળો હતી કે તેઓ પક્ષ બદલીને શરદ પવારના જૂથમાં જોડાઈ શકે છે.
કાર્યકારી અધ્યક્ષે પણ રાજીનામું ધરી દીધું
પિંપરી ચિંચવડમાં એનસીપી સાથે છેડો ફાડનારોમાં 2 પૂર્વ મેયર, વિરોધ પક્ષના નેતા અને 20 પૂર્વ કાઉન્સિલરોનો સમાવેશ થાય છે. આ તમામ વરિષ્ઠ નેતાઓ પવારની પાર્ટીમાં જોડાયા હતા. મંગળવારે (16 જુલાઈ) ગવાનેની સાથે તેના કાર્યકારી અધ્યક્ષ રાહુલ ભોસલેએ પણ રાજીનામું ધરી દીધું હતું. હવે આટલા બધા નેતાઓ એકસાથે પાર્ટીમાંથી રામ રામ કરતા હોવાને કારણે ચૂંટણીમાં અજિત પવારને અસર કરી શકે છે.
અજિત પવારે ગયા વર્ષે બળવો કર્યો હતો
ગયા વર્ષે અજિત પવારે કાકા શરદ પવાર સાથે બળવો કર્યો હતો, ત્યારે એનસીપીમાં ભંગાણ થયા પછી શરદ પવાર પાસે માત્ર એક કાઉન્સિલર અને 8 અધિકારીઓ જ વધ્યા હતા. જો કે હવે તેની તાકાતમાં વધારો થયો છે તેવું લાગી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ એવા સમયે થયું જ્યારે અજીતના નેતૃત્વમાં એનસીપી તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી હતી. ડેપ્યુટી સીએમની પત્નીને પણ બારામતી બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો.
અજીતની સંભવિત વાપસી પર શરદ પવારે શું કહ્યું?
શરદ પવારે બુધવારે (17 જુલાઈ) કહ્યું હતું કે ‘મારી પાર્ટીમાં કોઈપણ નેતાના સંભવિત પ્રવેશ અંગેનો નિર્ણય સામૂહિક રીતે લેવામાં આવશે.’ જો કે, અજિત પવાર પાછા આવવા માંગતા હોય તો તેમને પાર્ટીમાં સામેલ કરવામાં આવશે કે કેમ તેની પુષ્ટિ કરવાનો શરદ પવારે ઇનકાર કર્યો હતો. સિનિયર નેતાએ પુણેમાં પત્રકારો સાથે વાત કરતા ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી.’