Dhaka,તા.૧૮
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના વિશે બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલના મુખ્ય ફરિયાદી મુહમ્મદ તાજુલ ઇસ્લામ કહે છે કે, “તપાસ પ્રક્રિયા ચાલી રહી છે અને માનવતા વિરુદ્ધના ગુનાઓ વિશ્વનો સૌથી જટિલ કેસ છે અને તપાસ પ્રક્રિયા પણ જટિલ છે. અમને આશા છે કે આગામી મહિનાની અંદર શેખ હસીના વિરુદ્ધ ઓછામાં ઓછો એક રિપોર્ટ મુખ્ય ફરિયાદી સમક્ષ દાખલ કરવામાં આવશે. શેખ હસીના વિરુદ્ધ માનવતા વિરુદ્ધના ગુનાઓના આરોપો છે. અમે શેખ હસીના વિરુદ્ધ બે કેસ દાખલ કર્યા છે.”
ફરિયાદીઓએ જણાવ્યું હતું કે એક કેસ જુલાઈ હત્યાકાંડનો હતો અને બીજો ઓગસ્ટ હત્યાકાંડનો હતો. જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન માનવતા વિરુદ્ધ ગુનાઓ અને બળજબરીથી ગુમ થવાના અન્ય કિસ્સાઓ તેમજ ન્યાયિક હત્યાઓ વગેરે થયા છે. બંને કેસોમાં તપાસ ચાલુ છે અને આ બધા ગુનાઓ માટે કાયદામાં સજા નક્કી કરવામાં આવી છે. જે મૃત્યુદંડ, આજીવન કેદ તેમજ અન્ય સજાઓ છે, આ કેસમાં હવે ટ્રિબ્યુનલ કોર્ટ સજા નક્કી કરશે.
તમને જણાવી દઈએ કે ઢાકા હાઈકોર્ટે પણ બાંગ્લાદેશમાં પોતાના જ મિત્રની હત્યાના કેસમાં ૨૦ વિદ્યાર્થીઓની મૃત્યુદંડની સજાને યથાવત રાખી છે. આ વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૧૯ માં તેમના સાથી વિદ્યાર્થી અબરાર ફહાદને માર માર્યો હતો, ત્યારબાદ તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. મૃતક વિદ્યાર્થી ફહાદે ફેસબુક પર તત્કાલીન શેખ હસીના સરકાર વિરુદ્ધ એક પોસ્ટ લખી હતી. આ પોસ્ટને કારણે, ફહાદને શેખ હસીનાની અવામી લીગની વિદ્યાર્થી પાંખના કાર્યકરોએ માર મારીને મારી નાખ્યો. આ કેસમાં, નીચલી કોર્ટે ૨૦૨૧ માં આરોપી વિદ્યાર્થીઓને દોષિત ઠેરવ્યા હતા અને તેમને મૃત્યુદંડની સજા ફટકારી હતી. હવે બાંગ્લાદેશની હાઈકોર્ટે પણ આ નિર્ણયને માન્ય રાખ્યો છે.