Gaza,તા.૨૦
ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે ગુરુવારે સવારે તેના અનેક શહેરોમાં સાયરન સંભળાયા હતા. હકીકતમાં, યમનના હુતી બળવાખોરોએ ઇઝરાયલ પર મિસાઇલ હુમલા કર્યા છે, જેના કારણે આ સુરક્ષા સાયરન વાગ્યા છે. આ હુમલાઓમાં ઇઝરાયલમાં કોઈ નુકસાનના અહેવાલ નથી. ઇઝરાયલી સેનાના જણાવ્યા અનુસાર, જેરુસલેમમાં અનેક સ્થળોએ વિસ્ફોટો સંભળાયા હતા, પરંતુ કોઈ નુકસાનના અહેવાલ નથી. ઇઝરાયલ પર આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાર તૂટી ગયો છે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાર તૂટી ગયા બાદ, ઇઝરાયલી સૈનિકો ફરી એકવાર ગાઝા પરત ફર્યા છે. બુધવારે ઇઝરાયલી સૈનિકોએ ફરી એકવાર ગાઝાને ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાં વિભાજીત કરતા નેત્ઝારિમ કોરિડોર પર કબજો કર્યો. પ્રથમ તબક્કાના યુદ્ધવિરામ કરાર પછી ઇઝરાયલી સૈનિકોએ આ કોરિડોર ખાલી કરી દીધો હતો. ઇઝરાયલી સંરક્ષણ પ્રધાને ધમકી આપી છે કે જ્યાં સુધી હમાસ બાકીના બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે બીજા તબક્કાના યુદ્ધવિરામ અંગેની વાટાઘાટો પાટા પરથી ઉતરી ગઈ છે. મંગળવારે જ ઇઝરાયલે ગાઝા પર એક મોટો હવાઈ હુમલો કર્યો, જેમાં ૪૦૦ થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા. ગાઝાના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે મૃતકોમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. તે જ સમયે, ઇઝરાયલે ગાઝામાં મોટી સંખ્યામાં સૈનિકો મોકલ્યા છે, જેના કારણે ગાઝામાં ફરી એકવાર લડાઈ ફાટી નીકળવાનો ભય ઉભો થયો છે. ઇઝરાયલે ગાઝા જતી માનવતાવાદી સહાય પણ બંધ કરી દીધી છે, જેના કારણે ગાઝામાં સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. ઇઝરાયલ દ્વારા હવાઈ હુમલા શરૂ કરવામાં આવ્યા બાદ હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા બે ડઝન બંધકોના જીવ જોખમમાં છે. બંધકોના પરિવારો પણ તેમની સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે.