Mumbai,તા.21
ફિલ્મ સર્જક શેખર કપૂર તેની ફિલ્મ ‘બેન્ડિટ ક્વીન’ની ઓટીટી રીલિઝ વખતે થયેલી કાપકૂપથી ભારે ગુસ્સે થયો છે. તેણે કહ્યું છે કે આ ફિલ્મ પર બેઢંગી રીતે કાતર ફેરવાઈ છે. તેના માટે મારી કોઈ સંમતિ લેવાઈ નથી. હું પોતે આ મારી જ ફિલ્મ છે તેમ ઓળખી શકતો નથી.
મૂળ ૧૯૯૪માં થિયેટરમાં રીલિઝ થયેલી આ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર ઉપલબ્ધ કરાવાઈ છે. જોેકે, તેમાં પુષ્કળ એડિટિંગ કરી દેવાયું છે.
શેખર કપૂરે પોતાની સંમતિ વગર ફિલ્મને આડેધડ રીતે કપાઈ હોવા અંગે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ વિદેશી ઓટીટી કંપનીઓ ભારતીય સર્જકોને જ ઉતરતી કક્ષાના ગણે છે અને આવો ગેરવર્તાવ કરે છે. શું તેઓ ક્રિસ્ટોફર નોલાનની કોઈ ફિલ્મમાં તેની સંમતિ વગર આવી રીતે ખરાબ કાપકૂપ કરશે ખરા ? શેખર કપૂરે ઠાલવેલી નારાજગીને સુધીર મિશ્રા, હંસલ મહેતા સહિતના ફિલ્મ સર્જકોએ ટેકો આપ્યો છે. ‘હમ તુમ’ ફિલ્મના સર્જક કુણાલ કોહલીએ પણ લખ્યું છે કે આજે કદાચ ઓટીટી પ્લેટફોર્મ્સ શેખર કપૂરને તે જે રીતે ઈચ્છે છે તે રીતે ‘બેન્ડિટ ક્વીન’ જેવી ફિલ્મ બનાવવા દેશે જ નહીં.