Greece,તા.21
ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના નવા વડા તરીકે ઝિમ્બાબ્વેના રમત મંત્રી ક્રિસ્ટી કોવેન્ટ્રી ચૂંટાયા છે. કોવેન્ટ્રી આઈઓસીના 131 વર્ષના ઈતિહાસમાં 10માં વડા તરીકે ચૂંટાયા છે.
સાત સભ્યો આ પદ માટે રેસમાં હતા અને ગુપ્ત મતદાનના અંતે કોવેન્ટ્રી વૈશ્વિક સંસ્થાના વડા ચૂંટાયા હતા. આ સાથે જ તેઓ આઈઓસીના સર્વોચ્ચ પદે ચૂંટાનાર સૌપ્રથમ મહિલા તેમજ આફ્રિકન બન્યા છે. કોવેન્ટ્રી બે વખત સ્વિમિંગમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ પણ જીતી ચૂક્યા છે.
ગુરુવારે આઈઓસીના 97 સભ્યોએ મતદાન કર્યું હતું જેમાં પ્રથમ રાઉન્ડમાં જ કોવેન્ટ્રીનો વિજય થયો હતો. ક્રિસ્ટી કોવેન્ટ્રીનો કાર્યકાળ આઠ વર્ષનો રહેશે. 23 જૂન 2025ના રોજ તેમને આઈઓસીના વડાનો કાર્યભાર સોંપવામાં આવશે.
આ સાથે જ 2028માં લોસ એન્જલસમાં યોજાનાર ઓલિમ્પિક્સમાં તેમની ભૂમિકા મહત્વની બની રહેશે. તેમજ 2036માં ભારતમાં ઓલિમ્પિકના આયોજનને તેમના કાર્યકાળમાં મંજૂરી મળી શકે છે.
કોવેન્ટ્રી આઈઓસીના વિદાય લઈ રહેલા વડા થોમસ બાકનું સ્થાન લેશે. થોમસ બાકનો કાર્યકાળ મહત્તમ 12 વર્ષનો થયો છે. આ વખતે આઈઓસીના વડાની ચૂંટણી રસપ્રદ રહી હતી અને કોઈપણ ઉમેદવાર ફેવરિટ નહતો. મતદાનમાં સ્પષ્ટ બહુમતિ માટે સંખ્યાબંધ રાઉન્ડ વોટિંગ થવાની નિષ્ણાતોને અપેક્ષા હતી પરંતુ કોવેન્ટ્રીને બહુમત માટે જરૂરી 49 મત પ્રથમ રાઉન્ડમાં જ મળતા તે વિજેતા બન્યા હતા.
ક્રિસ્ટી કોવેન્ટ્રી પોતાના ઉત્તરાધિકારી બને તેવું થોમસ ભાક પણ ઈચ્છતા હતા જેથી તેમની પણ આ જીત થઈ છે. બાકે તેમના રાઈટ ટુ વોટના અધિકારનો ઉપયોગ કર્યો નહતો.આઈઓસીના વડાની રેસમાં રહેલા જુઆન એન્ટોનિયો સામારાન્ય કોવેન્ટ્રીના નજીકના પ્રતિસ્પર્ધી હતા અને તેમને 28 મત મળ્યા હતા.
જ્યારે ત્રીજા સ્થાને સેબાસ્ટિયન કોને ફક્ત આઠ મત મળ્યા હતા. અન્ય ઉમેદવારોમાં જોર્ડનના પ્રિન્સ ફૈઝલ અલ હુસૈન, જોહાન એલિઆસ્ટ, ડેવિડ લાપ્પાર્ટીયન્ટ તથા મોરિનારી વાતાનબેનો સમાવેશ થયો હતો.
લોસ એન્જલસમાં 2028માં યોજાનાર ઓલિમ્પિક ગેમ્સમાં બોક્સિંગની રમતનો સમાવેશ કરવા માટે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)એ સર્વાનુમતે નિર્ણય લીધો હતો. આઈઓસીના સભ્યો દ્વારા 144માં સેશનમાં આ માટે મતદાન હાથ ધરાયું હતું અને બોક્સિંગનો ઓલિમ્પિક ગેમ્સમાં સમાવેશ કરવા સર્વાનુમતે નિર્ણય લીધો હતો.
આઇઓસીના વડા થોમસ બાકે જ્યારે તમામ સભ્યોને એલએ ગેમ્સ 2028માં બોક્સિંગનો સમાવેશ કરવા સહમતિ માગી ત્યારે તમામ સભ્યોએ પોતાનો હાથ ઉપર કર્યો હતો અને કોઈએ પણ વિરોધ નોંધાવ્યો નહતો. બોક્સિંગની રમતને પુન: ઓલિમ્પિકમાં સમાવવા માટે સર્વાનુમત આપવા બદલ હું તમામનો આભાર વ્યક્ત કરું છું.
આશા છે ફરીથી આપણે શ્રેષ્ઠ બોક્સિંગ ટુર્નામેન્ટ માણી શકીશું, તેમ બાકે જણાવ્યું હતું. અગાઉ ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (આઈબીએ)ના સંચાલન અને નાણાકીય બાબતોને લઈને આઈઓસીએ તેના પર પ્રતિબંધ મુક્યો હતો અને ફેબ્રુઆરી 2022માં આઈઓસીના સેશનમાં 2028ના ઓલિમ્પિક આયોજનમાં પ્રારંભિક તબક્કે બોક્સિંગનો સમાવેશ કરાયો નહતો.