Mumbai તા.21
મુંબઈ શેરબજાર માટે ચાલુ સપ્તાહમાં બન્યુ હોય તેમ પાંચેય દિવસ તેજી રહી હતી. આજે સતત પાંચમાં દિવસે તેજીની કુચ વચ્ચે સેન્સેકસ ઈન્ટ્રા-ડે 77000 ની સપાટી કુદાવી ગયો હતો.
શેરબજારમાં આજે પોઝીટીવ માનસ જળવાયેલુ હતું વિશ્વ બજારમાં તેજી, ભૌગોલીક ટેન્શન-યુદ્ધ મોરચે રાહત જેવા કારણોનો પડઘો હતો. અમેરિકાનાં ટેરિફ વોરથી ભારતને ખાસ અસર ન થવાની ગણતરીની સારી અસર હતી.
વિદેશી નાણા સંસ્થાઓએ છેલ્લા મહિનાઓમાં જંગી વેચાણ કર્યા બાદ હવે નેટ ખરીદી કર્યાના આંકડા જારી થતા સાનુકુળ અસર હતી.જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે માર્ચ એન્ડીંગના વેપારની તેજી પોઝીટીવ છે છતાં 2 એપ્રિલથી ટેરિફના પ્રત્યાઘાતો નિર્ણાયક સાબીત થઈ શકે છે. ટુંકા ગાળામાં હજુ માહોલ અનિશ્ચિતતાભર્યો બની શકે છે અને મોટી વધઘટને પણ અવકાશ છે.
શેરબજારમાં આજે અદાણી પોર્ટ, એનટીપીસી, પાવરગ્રીડ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટીસીએસ, એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, લાર્સન, મારૂતી, ઓએનજીસી, ભારત પેટ્રોલીયમ, કોલ ઈન્ડીયા વગેરે ઉંચકાયા હતા. ટાઈટન, ઈન્ડુસઈન્ડ બેંક, ઈન્ફોસીસ, મહિન્દ્ર, હિન્દાલકો, ટે્રન્ટમાં ઘટાડો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 528 પોઈન્ટના ઉછાળાથી 76786 હતો તે ઉંચામાં 77041 તથા નીચામાં 76095 હતો નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 163 પોઈન્ટના ઉછાળાથી 23354 હતો તે ઉંચામાં 23402 તથા નીચામાં 23132 હતો.
બીએસઈમાં આજે 4121 શેરોમાં ટ્રેડીંગ હતું તેમાંથી 2772 માં ઉછાળો હતો. 1214 ઘટયા હતા. 315 શેરોમાં તેજીની સર્કીટ હતી 170 માં ઉંધી સર્કીટ હતી. માર્કેટ કેપ ચારેક લાખ કરોડ વધીને 413.13 લાખ કરોડ હતું.