Rajkot ,તા.૨૨
રાજકોટમાં સ્વામીનારાયણ સંપ્રદાયનાં પુસ્તકમાં દ્વારિકાધીશ વિશે ટિપ્પણી કરતા ભક્તોમાં રોષ ફેલાયો છે. દ્વારકામાં ભગવાનનાં અસ્તિત્વ પર સવાલ ઉઠાવતાં વધુ એક વિવાદે જન્મ લીધો છે. તેની માલધારી અગ્રણીઓએ પ્રતિક્રિયા આપતા માફી માંગવાનું કહ્યું છે.
રાજકોટમાં જલારામ બાપાનો વિવાદ માંડ શમ્યો હતો ત્યારે હવે વધુ એક ભગવાન પર ટિપ્પણી કર્યાનું સામે આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ‘શ્રીજી સંકલ્પમૂર્તિ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો’ પુસ્તકમાં ભગવાન દ્વારિકાધીશ વિશે દ્વારકામાં ભગવાન ક્યાંથી હશેપ? તેવો ઉલ્લેખ કરાતા વિવાદ વકર્યો છે. પુસ્તકમાં લખ્યું છે કે, શ્રીમંત રાવસાહેબના ભાઈ આબાસાહેબ પણ ચારિત્ર્યવાન સત્સંગી હતા અને નિત્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનાં દર્શન સેવા સમાગમનો લાભ લેતા. એક વખત તેમણે સ્વામીને પૂછવું જે, ‘સ્વામી! મારા કુટુંબીઓ કુસંગી છે અને દ્વારિકાની યાત્રાએ જવાનું કહે છે તેનું મારે કેમ કરવું ? ત્યાં મને ભગવાન દર્શન આપશે ?’ ત્યારે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, ‘ત્યાં હવે ભગવાન ક્યાંથી હોય ? જો તમારે પ્રત્યક્ષ ભગવાનનાં દર્શન કરવાં હોય તો વડતાલ જાઓ. ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાન તમારા મનોરથ પૂર્ણ કરશે.’
હાલ સમગ્ર મામલે સનાતની ઓમાં ભારોભાર આક્રોશ ફેલાયો છે. માલધારી સમાજના અગ્રણીઓએ પણ રોષ વ્યક્ત કર્યો છે. પુસ્તક લખનાર દ્વારકા આવી માફી માંગે તેમ માલધારી અગ્રણીએ કહ્યું છે તેમજ તેમણે એ પણ કહ્યું કે સ્વામીઓ લોકોમાં વૈમનસ્ય ઉભું કરી રહ્યા છે. અગાઉ સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાનપ્રકાશ સ્વામીએ અમરોલીમાં આપેલા એક પ્રવચને ભારે વિવાદ જગાવ્યો હતો. તેમના પ્રવચનમાં, તેમણે જલારામ બાપા અને ગુણાતીત સ્વામી વચ્ચેના સંબંધો વિશે કેટલાક વિવાદાસ્પદ દાવા કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે વીરપુરનું અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલે છે અને જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતીત સ્વામી સાથે ગાઢ રીતે જોડાયેલો છે.
જ્ઞાનપ્રકાશ સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે જલારામ બાપાએ ગુણાતીત સ્વામીની લાંબા સમય સુધી સેવા કરી હતી, અને તેમને દાળ-બાટીનો પ્રસાદ પણ ખવડાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે જલારામ બાપાએ ગુણાતીત સ્વામીના આશીર્વાદ લીધા હતા. આ નિવેદનોએ જલારામ બાપાના ભક્તો અને રઘુવંશી સમાજમાં ભારે રોષ જગાવ્યો હતો.