Rajkotતા.24
છેલ્લા કેટલાક દિવસો રાજયમાં ડબલ ઋતુ રહ્યા બાદ હવે આજથી ફરી પવનની દિશા બદલાઈ છે અને ઉતર-પૂર્વનાં જમીન પરનાં સુકા પવનો ફુંકાવાનું શરૂ થયું છે. આથી હવે આજથી ચાર કે પાંચ દિવસ સુધી ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં અંગ દઝાડતો તાપ અનુભવાશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજથી ચારથી પાંચ દિવસ દરમ્યાન અનેક સ્થળોએ તાપમાન 1થી 3 ડિગ્રી સુધી વધી શકે છે.
ખાસ કરીને હિટવેવની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતનાં અમૂક ભાગોમાં દેખાશે તેમજ રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ જિલ્લામાં મહતમ તાપમાન 42થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તેમજ અન્ય સ્થળોએ 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે.
જોકે દરિયાકાંઠાનાં વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહેવા પામશે અને ગરબીનો અહેસાસ વધુ પડતો નહી થાય. ઉલ્લેખનીય છે કે સુકા પવનોની અસર આજે બપોરે જ રાજકોટમાં દેખાઈ હતી અને બપોરે 12 વાગ્યાથી જ આકરો તાપ અકળાવા લાગ્યો હતો.
આજરોજ બપોરે 2-30 કલાકે રાજકોટનું તાપમાન 39.4 ડીગ્રી રહેવા પામ્યું હતું. બપોરે હવામાં ભેજ 12 ટકા રહ્યો હતો. અને પવનની ઝડપ 6 કી.મી. પ્રતિકલાકની રહી હતી.