Niger,તા.૨૫
નાઇજરના પશ્ચિમ ભાગમાં આવેલા એક ગામ પર એક જેહાદી સંગઠને મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં ગામના ૪૪ નાગરિકોના મોત થયા હતા. નાઇજરના ગૃહ મંત્રાલયે આ માહિતી આપી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,માલી અને બુર્કિના ફાસોની સરહદ નજીક કોકોરો ગ્રામીણ વિસ્તારના ફામ્બિતા ગામમાં હુમલો થયો હતો. તેણે આ હુમલા માટે ઇસ્લામિક સ્ટેટ ઇન ગ્રેટ સહારા અથવા ઇઆઇજીએસને જવાબદાર ઠેરવ્યું.
હુમલા અંગે ટિપ્પણી માટે ઇઆઇજીએસનો સંપર્ક થઈ શક્યો નહીં. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “બપોરે લગભગ ૨ વાગ્યે, જ્યારે મુસ્લિમ શ્રદ્ધાળુઓ શુક્રવારની નમાજ અદા કરી રહ્યા હતા, ત્યારે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ સંબંધિત મસ્જિદને ઘેરી લીધી અને હત્યાકાંડને અંજામ આપ્યો.” તેમાં કહેવામાં આવ્યું છે કે હુમલાખોરોએ સ્થળ છોડતા પહેલા એક બજાર અને ઘરોને પણ આગ ચાંપી દીધી હતી.
નાઇજરમાં ૪૪ નાગરિકોના મોત બાદ સરકારે ૩ દિવસનો શોક જાહેર કર્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે કામચલાઉ મૃત્યુઆંક ઓછામાં ઓછો ૪૪ છે, જ્યારે ૧૩ ગંભીર રીતે ઘાયલ છે. મંત્રાલયે ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. નાઇજર, તેના પડોશીઓ બુર્કિના ફાસો અને માલી સાથે, એક દાયકા કરતાં વધુ સમયથી જેહાદી જૂથો દ્વારા ચલાવવામાં આવતા બળવા સામે લડી રહ્યું છે. તેમાંથી કેટલાક સંગઠનો અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે જોડાયેલા છે. આ પહેલા પણ તે ઘણી વખત આવા હુમલા કરી ચૂક્યો છે.