રાજ્યના ૬ ગ્રોથ સીટીમાં રાજકોટનો સમાવેશ : ૨૫ નવી ઈલેકટ્રીક બસ જનતાની સેવામાં કાર્યરત
મનપાના રૂા.૫૬૫.૬૩ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Rajkot, તા.૨૬
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળનો પ્લોટ, કટારીયા ઓટો મોબાઈલ્સ શો રૂમની બાજુમાં, નવો ૧૫૦ ફૂટ રીંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાજકોટ મનપાના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી રૂા.૫૮.૫૪ કરોડના ૪ પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂા.૩૩૨.૨૬ કરોડના જુદાજુદા ૩૫ પ્રકલ્પોના ખાતમુહુર્ત તેમજ રાજકોટ મનપા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ આવાસો પૈકી ખાલી પડેલ ઈડબ્લ્યુએસ-૨ (૧.૫ બીએચકે)ના ૧૩૩, એમઆઈજી (૩ બીએચકે)ના ૫૦ એમ કુલ ૧૮૩ આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્પ્યુરાઈઝડ ડ્રો તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી રૂા.૧૭૪.૮૩ કરોડના ૬ પ્રકલ્પોના ખાતમુહુર્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમના અઘ્યક્ષ સ્થાને મેયર નયના પેઢડીયા ઉપસ્થિત રહેલ.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજકોટના ધારાસભ્યો ઉદય કાનગડ અને ડો.દર્શિતા શાહ, પડધરી-ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા વગેરે સહિત શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત જંગી જનમેદનીને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ જણાવેલ કે, આજે રાજકોટ મનપા અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ(રૂડ)ના કુલ રૂા.૫૬૫.૬૩ કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહુર્ત અને આવાસ ડ્રોના આ કાર્યક્રમ યોજવા બદલ મનપાના પદાધિકારીઓ-અધિકારીઓ તથા રૂડાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છુ.
વિશેષમાં મુખ્યમંત્રીએ આ વખતે રાજકોટને પાણીની ચિંતા ન થાય તે માટેની સુદ્રઢ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી ચુકી છે. નાગરિકોને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ના પડે તેવુ આયોજન કરવામાં આવેલ. લોકોએ આ બાબતમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
મુખ્યમંત્રીએ આજના આ કાર્યક્રમ અનુસંધાને એમ પણ કહ્યું હતુ કે, શહેરની સુખાકારી માટે આજે રૂા.૫૬૫.૬૩ કરોડના વિવિધ કામોનુ લોકાર્પણ ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. આજે એક જ દિવસમાં આટલુ મોટુ કામ થયુ છે.
મુખ્યમંત્રીએ વધુમાં પણ યાદ અપાવ્યું હતું કે, રાજ્ય સરકારે ૬ ગ્રોથ સિટી વિકાસવવાનુ આયોજન કરેલ છે તેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે અને આગામી સમયમાં રાજકોટને ગ્રોથ સિટી તરીકે વિકસતા આપણે સૌ જોઈ શકીશુ. આ મેગા આયોજન માટે આવશ્યકતા જણાશે તો બજેટ વધારવામાં પણ આવશે.
આ કાર્યક્રમમાં મેયર નયના પેઢડીયાએ જણાવેલ કે, રાજકોટ મનપા દ્વારા અત્યાર સુધીમાં મઘ્યમ વર્ગના પરિવારો માટે શહેરમાં ૩૪ હજાર આવાસોનુ નિર્માણ કરી, જરૂરીયાતમંદ પરિવારનો ડ્રો મારફત તેની ફાળવણી કરવામાં આવી છે. આ ટાઉનશીપમાં મકાનની સાથોસાથ ગેસની તથા પાણીની પાઈપલાઈન, ડ્રેનેજ, લિફટ, કોમ્યુનીટી હોલ, આંગણવાડી, બાલક્રીંડાગણ, પાર્કિંગ સહિતની અદ્યતન સુવિધા પૂરી પાડવામાં આવે છે.
રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ મનપાના શાસકો જ્યાં માનવી ત્યાં સુવિધા તથા સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્ર સાથે શહેરમાં પાયાના મહત્વના અનેકવિધ પ્રોજેકટસનુ નિર્માણ કાર્ય ગતિમાં છે. જેમાં ખાસ કરીને પીવાના શુઘ્ધ પાણી માટે ડી.આઈ.પાઈપલાઇન તથા ડ્રેનેજ નેટવર્કના કામો, નવા ભળેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના કામો, જામનગર રોડ સાઢીયા પુલ ખાતે ફલાયઓવર બ્રિજ, પ્રદ્યુમન પાર્ક પાસે એશિયાટીક લાયન સફારી પાર્ક, નવા ફાયર સ્ટેશન, આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળાના બિલ્ડીંગ, કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, આવાસ યોજના સહિતના અનેકવિધ કામો ગતિમાં છે.
રાજકોટ શહેર રહેવાલાયક, માણવાલાયક, હરીયાળુ અને રળિયામણુ બને તે માટે સાથોસાથ શહેરમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે ૫ લાખ વૃક્ષોનુ વાવેતર કરવાનો લક્ષ્યાંક નક્કી કરેલ છે. શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં સી.એન.જી. તથા ઈલેક્ટ્રિક બસ, ઘન કચરાનુ વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસીંગ, મેગા સ્કેલ સોલાર રૂફટોપ વગેરે જેવા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહેલ છે.
આ કાર્યક્રમનુ દિપ પ્રાગટય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ડાયસ પર ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમનુ શાબ્દિક સ્વાગત પ્રવચન સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમની રૂપરેખા મ્યુનિ.કમિશ્નર તુષર સુમેરા દ્વારા આપવામાં આવેલ. મુખ્યમંત્રી દ્વારા વિવિધ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહુર્ત તકતીનુ અનાવરણ કરવામાં આવેલ તેમજ રીપોટ કંટ્રોલના માઘ્યમથી લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુરાઈઝડ ડ્રો કરવામાં આવેલ. આ ઉપરાંત વિવિધ વિકાસ પ્રકલ્પોની વિસ્તૃત વિગતો દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મનું સ્ક્રીનીંગ પણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમની આભારવિધિ રાજકોટ મનપાના ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશ વસોયાએ આભારવિધિ કરેલ.
મવડીમાં નવનિર્મિત ઈન્ડોર ગેમ્સ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ
રાજકોટ મનપા દ્વારા શહેરના છેવાડાના લોકોને રમત-ગમતની સુવિધા આપવાના મુખ્ય ઉદેશને ઘ્યાને લઈ મવડી વિસ્તારમાં વોર્ડ નં.૧૨ માં ૧૧,૮૩૧.૦૦ ચો.મી. જગ્યામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનુ ૧૨૦૦ લોકોની ક્ષમતાવાળુ સ્પોર્ટસ સંકુલ બનાવવામાં આવેલ છે. જેમાં આશરે ૯૫૦૦.૦૦ ચોરસ મીટર બાંધકામ કરવામાં આવેલ છે. જેમાં ઓપન ગ્રાઉન્ડમાં પાર્કિંગની સુવિધા, ટેનિસ કોટ, બાસ્કેટ બોલ કોટ, વોલીબોલ કોટ અને સ્કેટીંગ રીંગનો સમાવેશ થયેલ છે. તેમજ ગ્રાઉન્ડ ફલોર પર સ્પોર્ટસ સંકુલમાં ટેબલ ટેનીસ કોટ, બેડમિન્ટન કોટ, આર્ચરી, સ્કવોસ, પ્લે-ગ્રાઉન્ડ એરીયા વિગેરે તથા પ્રથમ માળ પર મહિલાઓ તથા પુરૂષો માટે અલગ-અલગ જીમ, યોગા, શુટીંગ રેન્જ, ચેસ, કેરમ વિગેરે રમતો રમી શકાય તે માટે આયોજન કરવામાં આવેલ છે. આ ઈન્ડોર સ્ટેડીયમથી આશરે ૧,૫૦,૦૦૦ લોકોને તેનો ફાયદો થશે.