Rajkot,તા.27
માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે રાજયમાં માર્ચના છેલ્લા સપ્તાહમાં પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે.
હવામાનની આગાહી મુજબ, પશ્ચિમ હિમાલય પ્રદેશમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 29 માર્ચથી 1 એપ્રિલ સુધી કમોસમી વરસાદની શકયતા છે. રાજયમાં ગાજવીજ સાતે 10 મી.મી. સુધી એટલે કે અડધા ઈંચથી ઓછો કમોસમી વરસાદ વરસવાની શકયતા છે.
હવામાન વિભાગ અનુસાર કચ્છ, ઉતર અને મધ્ય ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુ વર્તાશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
દરમ્યાન આજરોજ પણ સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર- કચ્છમાં અનેક સ્થળોએ હવામાન પલ્ટાની અસર દેખાઈ હતી અને સવારના ભાગે તડકા-છાયા વચ્ચે ઠંડો પવન ફુંકાયો હતો.
રાજકોટ શહેરમાં જ આજે સવારે 21.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું અને પવનની ઝડપ 12 કિ.મી. સરેરાશ રહી હતી. જયારે ગઈકાલે પણ પવનનાં જોર વચ્ચે ગરમી સામાન્ય રહી હતી અને તાપમાનમાં 2થી 5 ડિગ્રીનો ઘટાડો મોટાભાગના સ્થળોએ નોંધાયો હતો. ગઈકાલે રાજકોટ સહિત દરેક સ્થળોએ 30થી 38 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયુ હતું.